હિન્દ ન્યુઝ, મહીસાગર
જિલ્લાના દરેક તાલુકાઓમાં ગ્રામજનો સહભાગી થઈને સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ મહીસાગર રાખવા આહ્વાન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી.
સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરતું સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરુપે આજરોજ મહીસાગર જીલ્લાના વિવિધ તાલુકાઓમાં સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં ચારણગામ સરાડીયાથી વીરપુર જતાં રસ્તાની સાફ સફાઈની કામગીરી, સંતરામપુર તલાધરા જીપીમાં અને રીંગણિયા બસ સ્ટેન્ડ પાસે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કર્મયોગીઓ સહિત ગ્રામજનો જોડાઈને સ્વચ્છ મહિસાગરનો સંદેશો પાઠવ્યો હતો.
મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી વિચારોને આજે ગુજરાતનો જન જન સાર્થક કરી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં આગળ ધપી રહ્યુ છે ઉપરાંત આ અભિયાનમાં સામાજિક સંસ્થાઓ સહિત સૌ જનભાગીદાર બની રહ્યા છે. આવો સૌ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને સ્વચ્છ ગુજરાતનું નિર્માણ કરીએ.
રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર