હિન્દ ન્યુઝ, બોટાદ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને બોટાદ જિલ્લા આયોજન મંડળ દ્વારા બોટાદવાસીઓની સુવિધામાં વધારો કરતા જ્યોતિગ્રામ સર્કલ ખાતે એસ.ટી.પીકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણીના વરદ હસ્તે આ પીકઅપ સ્ટેન્ડને રિબીન કાપી ખુલ્લું મૂકાયું હતું.
આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર જનસેવાનાં સંકલ્પ સાથે સતત કાર્યરત છે ત્યારે નાગરિકોની સુખાકારી વધારવા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. આજે જ્યોતિગ્રામ સર્કલ પર એસ.ટી. પિકઅપ સ્ટેન્ડનાં લોકાર્પણ પ્રસંગે સૌને શુભેચ્છાઓ. આ વિસ્તારનાં લોકોને એસટી પિકઅપ પોઇન્ટ મળતા હવે તેઓને બસસ્ટેન્ડ સુધી આવવું નહિ પડે. રાજ્ય સરકારનાં જન-જન સુધીનાં વિકાસના કાર્યો થકી આજે તમામ નાગરિકો લાભાન્વિત થઇ રહ્યાં છે ત્યારે બોટાદ ખાતે આ પિકઅપ સ્ટેન્ડ થકી બોટાદવાસીઓને ઘણો લાભ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પીકઅપ સ્ટેન્ડ પરથી વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ તેમજ રિઝર્વેશનની સુવિધાઓ પર પૂરી પાડવામાં આવશે જેથી આ વિસ્તારના લોકોને હવે બસસ્ટેન્ડ સુધી આવવું નહિ પડે.
આ પ્રસંગે શહેર અગ્રણી ચંદુભાઇ સાવલિયા, સતુભાઇ ધાધલ, ઈન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી સોલંકી, ગઢડા એસટી ડેપો મેનેજર રાઠોડ સહિત કર્મચારીઓ તેમજ બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.