Indian Smart Cities Award Competition (ISAC2022)માં રાજકોટ મહાનગરપાલિકાને વોટર કેટેગરી (વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તેમજ ટેકનોલોજી થી સજ્જ આધુનિકરણ)માં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

     ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન 2022 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને વોટર કેટેગરી (વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તેમજ ટેકનોલોજી થી સજ્જ આધુનિકરણ)માં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ સ્માર્ટ સિટી એરિયામાં ડેવલપ કરવામાં આવેલ “અટલ સરોવર” પ્રોજેક્ટ માટે મળેલ છે. આગામી માસ તારીખ 27-28 સપ્ટેમ્બર 2023ના રોજ ઈન્દોર ખાતે યોજાનાર સમારોહમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુના વરદ હસ્તે એવોર્ડ સુપરત થનાર છે, તેમ માન. મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું.

તેમણે વધુમાં માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, ભારત સરકાર ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા “ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન-2022” અંતર્ગત સમગ્ર ભારતના સ્માર્ટ સિટીનાની જુદી જુદી કેટેગરી જેવી કે બિલ્ડ એનવાયરમેન્ટ, કલ્ચર, ઇકોનોમી, ગવર્નન્સ, ICCC સસ્ટેનેબલ મોડલ, મોબિલિટી, સેનિટેશન, સોશિયલ આસપેક્ટ, અર્બન એન્વાયરમેન્ટ, વોટર, ઇનોવેટિવ આઈડિયા વગેરેમાં શહેરમાં થયેલ ઉત્કર્ષ કામગીરીની નોમિનેશન પ્રક્રિયા થયેલ હતી. આ પ્રક્રિયામાં રાજકોટ સ્માર્ટ સિટી દ્વારા વોટર કેટેગરી (વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તેમજ ટેકનોલોજીથી સજ્જ આધુનિકરણ)માં સ્માર્ટ સિટી એરિયામાં વિકસીત થયેલ અટલ સરોવર પ્રોજેક્ટ અંગે નોમીનેશન/પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાંથી કુલ 35 શહેરો દ્વારા કુલ 42 નોમીનેશન/પ્રેઝન્ટેશન થયેલ હતું. ત્યારબાદ ભારત સરકારશ્રી દ્વારા જે તે વિષયના નિષ્ણાંત અધિકારી પાસે પ્રસ્તુત નોમીનેશન/પ્રેઝન્ટેશનનું અવલોકન અને મૂલ્યાંકન કરાવવામાં આવેલ હતું. જેમાં રાજકોટ શહેરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે. આગામી માસ તારીખ 27-28 સપ્ટેમ્બર 2023 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુ દ્વારા ઈન્દોર ખાતે એવોર્ડ એનાયત થનાર છે.

મેયર, ચેરમેન અને કમિશનર એ વિશેષમાં એમ પણ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરનું કુલ ક્ષેત્રફલ ૧૬૪ ચોરસ કિલોમીટર છે. રાજકોટ શહેરી વિસ્તારમાં જેટલો વરસાદ પડે છે તેનું પાણી શહેરના જુદા જુદા વોકળાઓ મારફત આજી-૨ તથા ન્યારી-૨ ડેમમાં જાય છે. જેનો ઉપયોગ રાજકોટને પીવાના પાણી તરીકે ઉપયોગ થતો નથી, જેથી શહેરી વિસ્તારની અંદર વરસાદના પાણીને સંગ્રહ કરવો તે અત્યારના સંજોગોમાં અત્યંત જરૂરી છે.

        રાજકોટ સ્માર્ટ સિટી દ્વારા એરિયા બેઇઝ્ડ ગ્રીન ફિલ્ડ ડેવલોપમેન્ટ અંતર્ગત ૯૩૦ એકરમાં ટી.પી. સ્કીમ ન.-૩૨ (રૈયા)ના ટી.પી. રસ્તાઓ ડીઝાઇન મુજબની સ્ટોર્મ વોટર વિગેરે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકસિત કરવામાં આવેલ છે. જેથી સ્માર્ટ સિટીના ૯૩૦ એકર વિસ્તારમાં જે કઈ વરસાદ પડશે તે ટીપે ટીપા પાણીનો સંગ્રહ થશે. અને આજુ બાજુની ૨ કિલોમીટર ત્રિજ્યામાં પાણીનું તળ ઊંચું આવેલ છે.

        વિશેષમાં જણાવવાનું કે ચોમાસા દરમ્યાન પાણી સ્ટોર્મ વોટરના નેટવર્ક મારફત તળાવ-૧, તળાવ-૨ કે તળાવ-૩ માં ઠલવાશે. અને તેનો જળ સંચય થશે. તળાવ-૧ કે જે અટલ સરોવર તરીકે ડેવલોપ થઇ રહેલ છે. જેમાં ઉનાળા દરમ્યાન તળાવને ફરી ભરવા માટે 8 MLD ના ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ (TTP) મારફત પાણી ભરવામાં આવશે, જેથી આ તળાવ બારેમાસ ભરેલ રહેશે અને આજુબાજુના વિસ્તારોના જળ સ્તર ઊંચા આવશે અને ગ્રેનરી માટે એક ઉતમ ઉદાહરણ થશે.

સામાન્ય રીતે પર્યાવરણ જાળવવા માટે 3-R (રીડ્યુસ, રી-સાઈકલ અને રી-યુઝ) પ્રચલિત છે. પરંતુ અટલ સરોવર લેક ડેવલોપમાં 4-R (રીડ્યુસ, રી-સાઈકલ, રી-યુઝ અને રી-ક્રિએશન)નો સમાવેશ થયેલ છે. રાજકોટ સ્માર્ટ સિટીના ૯૩૦ એકર એરિયામાં અંદાજે ૬૫ હાજર ઝાડ વાવવાની પ્રક્રિયા ચાલુ છે જેથી અંદાજીત ૧૪,૩૫,૧૬૦ કિલોગ્રામ કાર્બન પ્રતિ વર્ષ ઓછો થશે આ ઝાડવાનો ઉછેર કરવા માટે રી-સાઈકલડ વોટરના ઉપયોગ થકી પીવાના પાણીની બચત થશે. જેથી પર્યાવરણની દ્રષ્ટિએ રાજકોટની પ્રજાને નવા નજરાણા તરીકે આગવી ભેટ સ્વરૂપ મળેલ છે.  

અટલ સરોવર પ્રોજેક્ટની વિગત :

•  પ્રોજેક્ટ ખર્ચ: રૂ. 136 કરોડ  ( 15 વર્ષના O&M અને રેવેન્યુ શેરીંગ સાથે )

•  1,00,000 ચો.મી. વિસ્તારમાં વોટર બોડીનો વિકાસ તેમજ 2,00,000 ચોરસ મીટર જમીનમાં પેરિફેરલ ડેવલપમેન્ટ કરવામાં આવેલ છે. જેમાં આર્કિટેક્ચરલ ફીચર્સ જેમ કે પ્રોમેનેડ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ટ્રાફિક ગાર્ડન, સિનિયર સિટીઝન ગાર્ડન, ઓપન જીમ, ગઝેબો, ૪૨ ગ્રામ હટ, ફ્લાવર બેડ, બોટનિકલ ગાર્ડન, સોલાર ક્લોક, સુપર ટ્રી, એન્ટ્રન્સ પ્લાઝા, વ્યુઇંગ ડેક, ભુલભુલામણી ગાર્ડન, CI આધારિત ગ્રીલ કમ્પાઉન્ડ વોલ, ટ્રેલીઝ, ટેનસાઈલ કેનોપી,એમ્ફીથિયેટર, પાર્ટી પ્લોટ વગેરેનો સમાવેશ થાય છે.

•  અટલ સરોવર ખાતે મનોરંજન સુવિધાઓમાં ફેરિઝ વ્હીલ, ટોય ટ્રેન, ફ્લોટિંગ જેટી, બોટિંગ, ફાઉન્ટેન આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો, 70 મીટરઅને 40 મીટર ઊંચાઈનો ફ્લેગમાસ્ટ વગેરેનો સમાવેશ છે.

•  આ ઉપરાંત મૂળભૂત સુવિધાઓમાં 7 ટોયલેટ બ્લોક્, સિક્યોરિટી કેબિન, SS ડસ્ટ બિન, 1 ઓપન ફૂડ કોર્ટ, 1 ક્લોઝ ફૂડ કોર્ટ, સાયકલ ટ્રેક, જોગિંગ ટ્રેક, અપર અને લોઅર પ્રોમેનેડ, જનરલ પાથ વે, 2 પાર્કિંગ સ્ટ્રક્ચર, ફ્રેમવાળા એન્ટ્રી એક્ઝિટ ગેટ, કમ્પાઉન્ડ વોલ, ઇનલેટ સ્ટ્રક્ચર, આઉટલેટ સ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે.

•  આ પ્રોજેક્ટને આખરી ઓપ આપવાની કામગીરી હાલ ચાલી રહી છે.

Related posts

Leave a Comment