હિન્દ ન્યુઝ, આનાંદ
આણંદ અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠ પ્રેરિત સહજાનંદ કલા સાધના તીર્થ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીની ઉપસ્થિતિમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
કલેકટર ડી.એસ.ગઢવીએ જીવનમાં સંગીતનું મહત્વ સમજાવતા ઉમેર્યું કે, સંગીત માણસના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. હું પોતે પણ અઠવાડિયા દરમિયાન કામકાજના કારણે જો માનસિક રીતે થાકી જાવ તો શનિ – રવિ અને રજાના દિવસોમાં સંગીતના કારણે મારો થાક ઉતરી જાય છે. આજે અનુપમ મિશન ખાતે સહજાનંદ કલા સાધના તીર્થ દ્વારા ચરોતરના સંગીત કલા ગુરૂઓના સન્માનના કાર્યક્રમમાં મને સહભાગી બનવાનું સદ્દભાગ્ય મળ્યું તે બદલ હું મારી જાતને નસીબદાર માનું છું.
આ પ્રસંગે કલેકટર ગઢવી અને સદ્દગુરુ સાધુ પરમ પૂજ્ય રતિદાદા અને મહાનુભાવોના હસ્તે ચરોતરના સંગીત કલાગુરૂઓ હિતેશભાઈ રાવ, પલકબેન પટેલ, સદાશિવભાઈ દવે, જનકભાઈ દરજી, દિપાલીબેન પ્રજાપતિ, જશવંતભાઈ રાવલ, અનિલભાઈ વ્યાસ, સૌરભભાઇ ડેનિયલ, લોરેન્સભાઈ ક્રિશ્ચન, રાહુલભાઇ પટેલ, તુષારભાઈ ડબગર, નૈનેશભાઈ પટેલ, જીગરભાઈ મિસ્ત્રી, ધીરુભાઈ દેસાઈ, વિશાલભાઈ ગાંધર્વ, નીનાબેન દોશી, ઉષાબેન ઠક્કર, અમિતભાઈ ઠક્કર, દિપ્તીબેન દેસાઈ, ધૃતિબેન બુચ, નિખિલભાઇ પારેખ, ધૃતિબેન પંડ્યા, લાવણ્યબેન ભટ્ટનું સન્માનપત્ર આપીને અને ખેસ પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું, તથા સદ્દગુરુ સાધુ પ.પૂ. રતિદાદા અને કલેક્ટર ડી.એસ.ગઢવીના હસ્તે ત્રિ-પુષ્કર વાદ્ય પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
યોગી વિદ્યાપીઠના કુલગુરૂ સાધુ પૂ. રતિકાકાએ ગુરુપૂર્ણિમાના દિવસે સહજાનંદ કલા સાધના તીર્થના સૌ કલાસાધકો અને ચરોતરના સંગીત કલાગુરૂઓ તથા ગીત-સંગીત અને કલા-ભક્તિ સભર એવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં કુશલ ભટ્ટ અને દિયા પારેખ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગાન, કીર્તન ગાન, હાર્મોનિયમ વાદન અને કથક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. અંતમાં સાધુ પૂ. તુષારદાસે સૌનો આભાર પ્રગટ કર્યો હતો.