ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ મોરાજ પ્રાથમિક શાળામાં ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

             કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ વેરાવળ તાલુકાના મોરાજ ગામમાં બાલવાટિકામાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. કલેક્ટરની ઉપસ્થિતિમાં ૧૦ કુમાર અને ૧૨ કન્યા એમ કુલ ૨૨ બાળકોનો બાલવાટિકામાં ઉમંગપૂર્વક પ્રવેશ થયો હતો.

             શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના પ્રસંગે કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાએ સંબોધનમાં નેશનલ એજ્યુકેશન પોલિસીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાલીઓ, શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તમામ ભાગીદાર બન્યાં છે એ ગર્વની વાત છે. ગ્રામ્ય સમાજમાં માતા-પિતા પણ શિક્ષણ પ્રત્યે જાગૃત થઈ રહ્યાં છે તે અત્યંત સારી વાત છે. શિક્ષણનો વ્યાપ વધારીને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો સહિયારી જવાબદારી છે. ઉપરાંત શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૨૦૦૦ જેટલા બાળકો પ્રવેશ મેળવશે તેમ જણાવી કલેકટરશ્રીએ પ્રવેશ મેળવનાર  તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

             અત્રે ઉલ્લેખનીય છેકે, કલેક્ટર શ્રી તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે  શૈક્ષણિક કીટ આપી ઉત્સાહ સાથે બાળકોને આવકારવામાં આવ્યા હતા. શાળા પ્રવેશોત્સવ દરમિયાન કલેક્ટર એચ.કે.વઢવાણિયાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કલેક્ટરના હસ્તે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એજાજ રાજપુરા, બીઆરસી કોઓર્ડિનેટર, અગ્રણીઓ તેમજ વાલીઓ સહિત ગ્રામજનોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment