મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સૌની યોજના હેઠળ ડોન્ડી નદી સુધી પાઇપલાઇન લંબાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

    રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપુર ગામેથી સૌની યોજના લિંક-૩ના પેકેજ ૧૦ હેઠળ પાઇપલાઇનને ડોન્ડી નદી સુધી લંબાવવાના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા પણ સહભાગી થયા હતા. 

ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી આશરે રૂ. ૩.૪૮ કરોડના ખર્ચે થનાર છે. જે અંતર્ગત આણંદપુર ગામમાં ૨૫૧૧ મીટરની ૫૦૦ એમ.એમ. વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. ફીડર લાઇનની કામગીરી થવાથી કાલાવડ અને જામજોધપુરના ગામોને તથા રાજકોટ જિલ્લાના લોધિકા અને પડધરી તાલુકાના ગામોને સિંચાઇ અને પીવાના પાણીનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે કાલાવડ તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ૧૧૬.૫૮લાખના ખર્ચે કુલ ૧૯ ચેકડેમો અને તળાવોના મરામતના કામો થયેલ છે. ૩૨ જેટલા ગામોમાં આશરે ૨૦૦૦ એમ.સી.એફ.ટી. પાણી વિતરણ કરી ચેકડેમો અને તળાવો ભરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મનહરભાઈ બાબરીયા, રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રેયસ હરદેયા, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, નાયબ ઈજનેર હાર્દિક પીપળીયા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment