હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અને એપિડેમિક મેડિકલ ઓફિસરની સૂચનાથી ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વેરાવળ તાલુકામાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં નિયમનો ભંગ કરતા હોય એવા દુકાનદારો પાસેથી કુલ ૨૭ કેસ કરી અને ૫૧૨૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.
નોંધનીય છે કે, ૧૮ વર્ષથી ઓછી વય ધરાવતા વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી ગુનો છે તેમજ દુકાનદારોએ દુકાન પર ૬૦X૩૦ સેમી સાઈઝનું બોર્ડ પણ લગાવવાનું ફરજિયાત હોય છે. જોકે, જિલ્લામાં ઘણી દુકાનોમાં બોર્ડ લગાવેલ ન હોવાના કારણે સઘન તપાસ કરી નિયમોનું જ્યાં પણ ઉલ્લંઘન થતું હોય ત્યાં તેમજ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા દુકાનદારો પાસેથી કુલ ૨૭ કેસ કરી અને ૫૧૨૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.
ટોબેકો કંટ્રોલ દ્વારા સઘન ચેકિંગ કામગીરી દરમિયાન યુએચસી વરજાંગભાઈ, પીસી સરમણભાઈ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કે.એચ.ચોચા, પી.બી.સાવલિયા, આરોગ્ય વિભાગના ડી.જે.વ્યાસ, એન.જે.મહેતા, મેહુલભાઈ તેમજ વેરાવળ નગરપાલિકામાંથી જયદિપભાઈ ઝાલા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા તમામ દુકાનદારોને નિયમોનું પાલન કરવા અંગે કડક સંદેશ આપવામાં આવ્યો છે.