હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા. ૨૧ જૂનના રોજ નવમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં ઠેર-ઠેર કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજ ખાતે રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત અનિલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગત તા. ૧૮ મેના રોજ નર્સિંગ સ્ટાફ માટે પ્રી-પ્રોટોકોલ તાલીમ યોગ શિબિર યોજાઈ હતી. જેમાં અંદાજે ૭૦થી વધુ નર્સ બહેનોને યોગાસનની તાલીમ આપીને તેના ફાયદા વિશે જાણકારી અપાઈ હતી.
આ તકે સિવિલ સુપ્રિડેન્ટન્ટ ડો. આર. એસ. ત્રિવેદી, ફોરેન્સિક મેડિસિનના વડા ડો. એચ. સી. ક્યાડા, માઈક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર ડો. મધુલિકાબેન મિસ્ત્રી, મેટ્રન હેમાબેન અને હુબલ બર્ધર, મેડિકલ કોલેજના ચીફ લાઇબ્રેરીયન ડો. રાજેશભાઈ ત્રિવેદી, સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલભાઈ મહેતા, જિલ્લા કો-ઓર્ડીનેટર દીપકભાઈ તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગ કોચ ડો. ધમિષ્ઠાબેન હિંગરાજીયાએ કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા યોગ કો-ઓર્ડીનેટર વંદનાબેન રાજાણી, યોગ ટ્રેનર્સશ્રી સેજલબેન લાલકિયા, વિલાસબેન ઠુમ્મર, અર્ચનાબેન કપુપરાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.