હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
શ્રીકૃષ્ણ અને શિવના સંગમની ભૂમિ એટલે સોમેશ્વર તીર્થ તેમજ શ્રીરામ અને શિવની ભૂમિ એટલે રામેશ્વર તીર્થ. ભક્તિના બે અખંડ આસ્થા કેન્દ્ર સોમેશ્વર અને રામેશ્વરની સંસ્કૃતિનું મિલન એટલે “સૌરાષ્ટ્ર તમિલ સંગમ”. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે સોમનાથના મહેમાન બનેલા તમિલ મહેમાનો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની પ્રવૃત્તીઓ અને પદ્ધતિસરનું મેનેજમેન્ટ અનુભવી કુશળ વ્યવસ્થાથી આનંદવિભોર બન્યા હતા તથા પરિસરની સ્વચ્છતા, સ્ટાફની શાલિનતાનો અનુભવ કરી સોમનાથ ટ્રસ્ટની તમામ વ્યવસ્થાના વખાણ કરી આનંદ સહ સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો.
દેશના યશસ્વી વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી હંમેશા દિવ્યાંગો, વૃદ્ધો અને છેવાડાના માનવીને લગતા વિકાસકાર્યો માટે સતત સમર્પિત હોય છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમિલ અતિથીઓમાં વૃદ્ધો તેમજ દિવ્યાંગોને સોમનાથ મંદિર સુધી પહોંચાડતી બે ઇલેક્ટ્રીક ગોલ્ફાર્ટની પણ સુવિધા રાખવામાં આવી હતી.
સદીઓ પહેલા જે ભૂમિ પરથી વડવાઓએ હિજરત કરવી પડી હતી તે પૂર્વજોની ભૂમી પર પધારેલા સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોને મંદિરપ્રવેશ સાથે જ પુરોહિતો દ્વારા ભસ્મ ત્રિપુંડ અને ચંદન તિલક કરી આવકારવામાં આવ્યા હતા. સંગમના તમામ દિવસે સોમનાથ મહાદેવની દક્ષિણ ભારતીય તેમજ સૌરાષ્ટ્રની પરંપરાના સાયુજ્ય સાથે વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા. જેમાં અર્ધનારેશ્વર શૃંગાર, રામેશ્વર દર્શન શૃંગાર, કાર્તિક સ્વામી દર્શન શૃંગાર, દેવીદર્શન શૃંગાર, રુદ્રાક્ષ દર્શન શૃંગાર સહિતના શૃંગારનો લાભ લીધો હતો.
ઉપરાંત તમામ મહેમાનોને દર્શન સમયે સોમનાથ મંદિરનું પ્યુરિફાઈ કરેલ નિર્માલ્ય જળ- સોમગંગા, લઘુ યજ્ઞ કીટ, યજ્ઞભસ્મ, રુદ્રાક્ષ, મહાદેવની 3D તસવીર, તમિલ ભાષામાં સોમનાથની પરિચય પુસ્તિકા, લાડુ પ્રસાદ સહિત પ્રસાદ કિટની આધ્યાત્મિક ભેટ અર્પણ કરવામાં આવી હતી.ઉપરાંત લાઈટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ એલ.ઇ.ડી સ્ક્રીન પર પ્રસાદ કિટમાં આપવામાં આવેલ વિવિધ પ્રસાદના મહાત્મ્ય વિશે તામિલ ભાષામાં વીડિયો રજૂ કરી આવનાર મહેમાનોને પ્રસાદના મહાત્મય વિશે સમજૂતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર પરિસર તેમજ બહારના ક્ષેત્રને ગુજરાતના કલાકારોની મદદથી વારાહ મંદિર, દૈત્યસુદન મંદિર, સૂર્ય મંદિર, જેવા પ્રભાસ તીર્થના જુદા-જુદા પૌરાણિક સ્થળોના સુંદર ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ હતું. તમિલ મહેમાનો માટે સોમનાથ મંદિરમાં જવા માટે વિશેષ રૂટ તૈયાર કરવામા આવ્યો હતો. જ્યાં દિવાલો પર સોમનાથ મંદિરની શિલ્પ કલા, સ્થાપત્ય, નાગર શૈલીમાં વાસ્તુકલા અને મંદિર નિર્માણના અંશો તમિલ મહેમાનોને સમજાવવામાં આવ્યા હતા જેથી દર્શન કરતા પહેલા જ મંદિરની સ્થાપત્ય કલા વિશે માહિતગાર થયા હતા.
તમિલ મહેમાનો માટે ટ્રસ્ટે તમિલ ટ્રાન્સલેટર્સની પણ વ્યવસ્થા રાખી હતી. જેથી મહેમાનોને સોમનાથની ભૂમિની વિસર્જન બાદ સર્જનની યશગાથા, તીર્થનો ઝળહળતો સાંસ્કૃતિક વારસો, અદભુત અસ્મિતા સંરક્ષણના સતત પ્રયત્નો અને વર્તમાન સોમનાથનો પરિચય મળે અને સોમનાથની ગૌરવગાથાનું આવતી પેઢીમાં પણ રોપણ થઈ શકે. દર્શન બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમિલ દર્શનાર્થીઓ માટે રાત્રી ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હતી. જેમાં પરંપરાગત સંગીત સાથે અતિથીઓ સૌરાષ્ટ્ર તેમજ તમિલ વ્યંજનોના સંગમનો સ્વાદ માણી તૃપ્ત થતા હતાં.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરમિયાન ભારત સરકારના વિવિધ મંત્રીશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીઓ, અનેક રાજ્યના રાજ્યપાલઓ લાઈટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી સોમનાથના ઈતિહાસ વિશે રસપૂર્વક જાણકારી પણ મેળવતા હતાં. આ દરમિયાન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સચિવની પણ ખાસ ઉપસ્થિતી રહેતી.
આ રીતે સાંસ્કૃતિક ધરોહરની પુનઃ નવચેતના જગાવનાર દેશના દિર્ઘદ્રષ્ટા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકાસ કાર્યો, માનવતા સભર પ્રવૃત્તિઓ, અને આધ્યાત્મિક નવચેતના દ્વારા સોમનાથ તીર્થમાં સુવર્ણયુગની પુનઃ સ્થાપનાનો અનુભવ કરી તમિલ મહેમાનો પ્રસન્ન થયા હતાં.
‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ‘ના સમુદ્રમંથનમાંથી નીકળેલું મોતી એટલે “Saurashtra and tamil- confluence”.
સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયનો ૧૦૦૧ વર્ષનો ઇતિહાસ આવરી લેતી હસ્તરચિત ચિત્રો અને વર્ણન સાથે સદીઓની ગાથા વર્ણવતા આ ૩૨ પૃષ્ઠની પુસ્તિકા પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા રચાઈ છે. આ પુસ્તિકાની વિશેષતા એ છે કે તેમાં સૌરાષ્ટ્રીયન સમુદાયની ઓળખ ગણાતા રેશમી કાપડનો ઉપયોગ કરી ચિત્ર અને માહિતી સંપાદિત કરાઈ છે. આ પુસ્તિકામાં સોમનાથ તીર્થમાં સુવર્ણયુગની પુનઃ સ્થાપનાને મનોગમ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. ભવ્ય ભૂતકાળથી વર્તમાન સોમનાથની સમયરેખામાં આ તીર્થની ગૌરવગાથાને માત્ર ૩૨ પેજમાં સમાવિષ્ટ કરવાના આ ઉત્તમ કાર્યનો અનુભવ કરી સર્વે મહાનુભાવોએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ‘સૌરાષ્ટ્ર તામિલ સંગમ’ની અદભૂત અને વિશેષ પૂર્ણાહૂતી
સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમયે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવેલ પાઘ સૌરાષ્ટ્ર અને તમિલનાડુનો સાંસ્કૃતિક તેમજ કલાત્મક સમન્વય દર્શાવતી હતી. આ વિશેષ પાઘ તૈયાર કરવામાં જામનગરની બહેનોના ગૃહ ઉદ્યોગમાં નિર્મિત બાંધણી તેમજ તમિલનાડુના ડીંડીગુલ જિલ્લામાં સૌરાષ્ટ્રીયન સમુદાયની વસ્ત્ર કલાકાર બહેનોના સમૂહ દ્વારા ખાસ તૈયાર કરાયેલ ડીંડીગુલ કોટન સાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રીતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર તામિલ સંગમની અદભૂત અને કલાત્મક પૂર્ણાહૂતી કરાઈ હતી