હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી તકો મળે તેમજ નોકરીદાતાઓને કૂશળ માનવબળ મળી રહે તે હેતુસર અનુબંધમ પોર્ટલ: www.anubandham.gujarat.gov.in તેમજ એપ શરૂ કરવામાં આવેલ છે.
રોજગારવાંચ્છુ ઉમેદવારો ઘર બેઠાં જ ઈન્ટરનેટનાં માધ્યમથી અનુબંધમ પોર્ટલની મુલાકાત લઈ સરળ સ્ટેપને અનુસરી જાતે જ પોતાની નોંધણી કરાવી શકે છે. જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે એમ્પ્લોઈમેન્ટ કાર્ડ કઢાવેલ હોય તેને પણ અનુબંધમ પર નોંધણી કરવાની રહે છે. આ પોર્ટલ પર વિવિધ ઉપલબ્ધ રોજગારીની જગ્યાઓની માહિતી નોકરીદાતાઓ દ્વારા નોંધવામાં આવે છે. જેમાં ઉમેદવાર જાતે જ જેતે જગ્યા સામે લાયકાત અનુસાર એપ્લાય કરી શકે છે. તેમજ અનુબંધમ પોર્ટલમાં નોંધણી દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો રોજગાર સેતૂ કોલ સેન્ટર નં: ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ ઉપર ફોન કરી શકો છો. અન્યથા જરૂરી તમામ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, આધારકાર્ડ અને પાસપોર્ટ ફોટો સાથે રૂબરૂ અત્રેની મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, એફ-૫/૬, બહૂમાળી ભવન, ભાવનગર ખાતે કચેરી સમય દરમિયાન હાજર રહી નોંધણી કરાવી શકો છો.