હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા ઉધોગ કેન્દ્ર ના ધ્યાને આવેલ છે કે, કચેરીમાં આવતા કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા ઉદ્યોગ કેન્દ્રમાથી લોન મેળવવાની અરજીઓ મંજુર કરાવવાની લોભ લાલચ આપી આવી અરજીઓ કરવા અને અરજીઓ મંજુર કરાવવા માટે અનઅધિકૃત રકમની માંગણી અરજદારો પાસેથી કરવામાં આવે છે. સરકારના નિયમોનુસાર અરજદારો પાસેથી આવી અરજીઓ માટે કોઈ જ રકમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વસુલવામાં આવતી નથી તથા આવી અરજીઓ મેળવવા માટે કચેરીની બહારના કોઈપણ વ્યક્તિને અધિકૃત કરવામાં આવતા નથી.
નિયમ અનુસારના સરકારી કામકાજ માટે નાણાંની માંગણી કરવી કે નાણાં આપવાની ઓફર કરવી બંને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો બને છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દરેક અરજદારોની અરજીઓ પરત્વે સરકારના વખતોવખતના નિયમો મુજબ કાર્યવાહી કરવામા આવે છે અને સરકારએ નિયત કરેલ ધારાધોરણ મુજબ અરજીઓ મંજુર કરવામાં આવે છે. આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે આવા અનઅધિકૃત વ્યક્તિઓની લોભામણી વાતોમાં ફસાઈને કોઈપણ પ્રકારના નાણાંકીય વ્યવહારો કરવા નહી તે નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર,ભાવનગરની યાદીમાં જણાવેલ છે.