“આભા”માં પોરબંદરની આભા:આરોગ્ય લાભાર્થીઓના ડેટાને ઓનલાઈન કરવામાં પોરબંદર જિલ્લો અગ્રેસર

હિન્દ ન્યુઝ, પોરબંદર

ટેકનોલોજીને કાર્યક્ષમતા સાથે જોડીને પોરબંદર વહીવટી તંત્રએ ભારત અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટને સાકાર કરવા કમર કસી છે. વિઝન પોરબંદર ૨૦૪૭માં પણ આરોગ્ય સેવાના ઇન્ડીકેટરને પેપરલેસ સાથે નવા રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. પોરબંદરના આરોગ્યતંત્રએ આભા પ્રોજેક્ટમાં રાજ્યમાં અગ્રેસર કામગીરી કરી છે. આભા યોજના ભારત સરકારની હેલ્થ સેવાને ગુણવતાસભર અને સરળ કરવા માટે ફિઝિકલ ડોક્યુમેન્ટેશનમાંથી દર્દીને મુક્ત કરી દર્દીની હિસ્ટ્રીને ઓનલાઈન કરે છે. આ યોજનામાં પોરબંદર જિલ્લો મિશન મોડમાં કામ કરી રહ્યો છે.લાભાર્થીઓનું ડીઝીટલ લોકર જેવું જ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહયું છે જે ડીઝીટલ ઇન્ડીયા અને ડીઝીટલ ગુજરાતના આયામોની જેમ જ આરોગ્ય સેવાને સરળ કરે છે. પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કરમટાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧.૮૫ લાખ જેટલા આયુષ્માન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવેલ છે.હવે તેનાથી આગળ વધીને લાભાર્થીઓ જયારે આરોગ્ય સેવા મેળવે ત્યારે તબીબોને તેના વિશે બધી જ સારવાર અંગેની માહિતી મળી રહે તે માટે અને ફીઝીકલ ડોકયુમેન્ટ કેસ કાગળો લાવવા ન પડે તે માટે સરકારની માર્ગદર્શીકા પ્રમાણે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.

આભા જેનું પુરું નામ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે. જે માત્ર આ કાર્ડ ધરાવતા જ નહિ પરંતુ વધુને વધુ વ્યક્તિઓને લાભ આપશે. જિલ્લામાં ચાલુ વર્ષે ૩ લાખ આભા કાર્ડ ઇસ્યૂ કરાશે. અત્યાર સુધીમાં ૧.૭૫ લાખ કાર્ડ ઇસ્યૂ થયા છે તેમ આ પ્રોજેક્ટ પર કાર્યરત મહેશ ચૌહાણે જણાવ્યું હતું. આ યોજનાથી દર્દીને સરકારી દવાખાનામાં આપવામાં અથવા તો વીમાના પેકેજ હેઠળની હોસ્પિટલોમાં ભવિષ્યમાં તેમના જૂના કેસ પપરની હાર્ડ કોપી ફાઈલો જરૂર નહિ પડે. એટલું જ નહિ દર્દીને અગાઉ કોઈ સારવાર આપવામાં આવી છે કે કેમ તેની માહિતી સારવાર કરનાર તબીબને આઇ. ડી નંબર નાખવાથી મળી શકશે. આ કામગીરી માટે હાલ ૧૫૦૦ કર્મયોગીઓ ઘરે ઘરે સર્વે કરી રહયા છે. જિલ્લામાં ૧૨ પ્રાથમિક હેલ્થ સેન્ટર, ૦૬ અર્બન અને ૦૪ સી.એચ.સી હેઠળ આ કામગીરી કાર્યરત છે.જિલ્લા કલેકટર અશોક શર્માએ આરોગ્યની તમામ ટીમને આભામાં શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્યની ખેવના અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રશાસન “બહુજન હિતાય બહુજન સુખાય”ના સૂત્રને સાર્થક કરવા કટિબદ્ધ છે.

Related posts

Leave a Comment