હિન્દ ન્યુઝ, ભાવનગર
સરકારના ગૃહ વિભાગનાં આદેશ મુજબ અનુસૂચિત જાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર, બી.એસ.એફ., આર.એ.એફ, સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી તથા સરકારના અન્ય વિભાગની ભરતી થવાની/જોડાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પુર્વક પસાર કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે ભાવનગર જીલ્લા ખાતેના જ આવા બાળકોને તાલીમ આપવા માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ તાલીમ માટે ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ઘોરણ-૧૨ પાસ, શારીરીક ક્ષમતા બી.એસ.એફ., આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી. તથા સરકારનાં અન્ય વિભાગનાં માપદંડ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારને તાલીમ માટે લાયક ગણવામાં આવશે. આ તાલીમનો સમયગાળો દિન -૩૦ નો રહેશે. આ તાલીમ તા.૧૦/૦૨/૨૦૨ર થી પોલીસ હેડ ક્વાર્ટર ભાવનગર ખાતે શરૂ થનાર છે. તાલીમનો સમય સવારના ૦૫/૩૦ કલાકથી સાંજના ૧૯/૩૦ સુધીનો રહેશે. તાલીમ દરમ્યાન રહેવાની સગવડ ચા-નાસ્તો, બપોરે તથા રાત્રી ભોજન આપવામાં આવશે. આ તાલીમમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં આવતા પેપરોને લગતી સામાન્ય જ્ઞાન અને શારીરીક કસોટી માટે દોડ, ઉંચો/લાંબો કુદકો તેમજ અન્ય રમતોની તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં વહેલા તે પહેલાના ઘોરણે વધુ ૮૦ (એંશી) તાલીમાર્થીને પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારનું રજીસ્ટ્રેશન તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૧૫/૦૧/૨૦૨૩ સુધી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શરૂ કરવામાં આવશે. તાલીમ માટે લાયકાત ધરાવતા અનુસૂચિત જાતીના ઇરછુક શિક્ષિત યુવાનો/યુવતિઓએ પોલીસ હેડ ક્વાર્ટર, નવાપરા, ભાવનગર ખાતે જરૂરી પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત થવાનું રહેશે. જેમાં જરૂરી શૈક્ષણીક તથા શારીરીક લાયકાત ધરાવતા ૮૦ (એંશી) ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમજ આગામી તાલીમ માટેના ઉમેદવારોની પસંદગી યાદી જરૂરીયાત પ્રમાણે બનાવવામાં આવશે. આ તાલીમમાં પસંદગી માટે આવનાર કોઇ ઉમેદવારને કોઇપણ પ્રકારનું ભાડુ, ભથ્થુ મળવા પાત્ર નથી. સ્વ ખર્ચે તાલીમ માટે આવવા-જવાનું રહેશે. દરેક તાલીમાર્થીએ પોતાની દરરોજ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ સાથે લાવવાની રહેશે.