હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નું મતદાન ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ થનાર છે. ચૂંટણીપંચનો અભિગમ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તેવો છે. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શક સૂચના અનુસાર મતદાન પુરૂ થવાના સમય એટલે કે તા.૦૧/૧૨/૨૦૨૨ના સાંજના ૦૫.૦૦ કલાકથી ૪૮.૦૦ કલાક અગાઉ તા.૨૯/૧૧/૨૦૨૨ના સાંજના ૦૫.૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. જે પછી ઉમેદવારોના પ્રચારકો અને કાર્યકર્તાઓ સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તા કે જેઓ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું રહે છે. જે અંગે જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જરૂરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
જે મુજબ ગીર સોમનાથ જિલ્લામાં તમામ ચાર વિધાનસભા મતદાર વિભાગોમાં મતદાન પૂરું થવાના સમયના ૪૮.૦૦ કલાક અગાઉ એટલે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તાઓ કે જેઓ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે વિસ્તાર છોડવાનો રહેશે.
મતદાન પૂરું થતા સમયગાળા પહેલાના ૪૮ કલાકમાં ઘેર-ઘેર મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર કરી શકાશે પરંતુ આ માટે વધુમાં વધુ પાંચ જ વ્યક્તિ જઈ શકશે. પ્રચાર સમયે જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી, મફલર પહેરી શકશે, પરંતુ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.