વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨
ગીર સોમનાથમાં ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ૪(ચાર) કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવાના, ચકાસણી તેમજ પરત ખેંચવાના સમયે કુલ ચાર વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. તંગદિલીભર્યું વાતાવરણ ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાર કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જી.ગોહિલ દ્વારા અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઉમેદવારી પત્ર રજૂ કરવાના,ચકાસણી તેમજ પરત ખેંચવાના સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ત્રણ કરતા વધુ વાહનો એક સાથે ચલાવવામાં નહીં આવે. આ આદેશ તા.૧૭ ડિસેમ્બર દરમિયાન સવારે ૧૦.૩૦થી બપોરના ૧૫.૩૦ કલાક દરમિયાન સુધી અમલમાં રહેશે. જે ગીર સોમનાથ શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમનો ભંગ કર્યેથી ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને ગુન્હો સાબિત થયે એક માસની સાદી કેદ અથવા રૂ.૨૦૦નો દંડ અથવા બન્નેની સજા થઈ શકશે. તેમ ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરેલા જાહેરનામાં હુકમમાં જણાવાયું છે.