જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
      વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીએ પત્રકારોને જિલ્લામાં કુલ ૪ વિધાનસભા બેઠક માટે ૫૮૮ મતદાન મથક લોકેશન પર ૧૦૭૭ મતદાન મથક અને તેને સંલગ્ન સુવિધાઓ, ઈવીએમ તથા વીવીપેટ, FS, VST, VVT, AEO વગેરે દેખરેખ એકમની કામગીરી તેમજ આદર્શ આચારસંહિતા સહિત ચૂંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી માહિતી આપતા જણાવ્યું કે, બંધારણ હેઠળ ઘડવામાં આવેલા કાયદા અને નિયમો હેઠળ ભારતના ચૂંટણી આયોગ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. તેમણે ગીર સોમનાથના ૯૦-સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડીનાર(એસ.સી) તેમજ ૯૩-ઉનામાં મતવિસ્તારો અને જાંબુરના સીદી સમુદાય માટે વિશિષ્ટ મતદાન મથકો તેમજ તેને લગતી વિવિધ માહિતી આપી સુવિધાઓ અંગે વિસ્તૃતમાં જાણકારી આપી હતી.
તેમણે એ પણ ઉમેર્યું હતું કે, જિલ્લાનું ચૂંટણી તંત્ર ભારતના ચૂંટણી આયોગની સીધી દેખરેખ હેઠળ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદાર થશે અને આદર્શ આચારસંહિતા દરમિયાન ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ કાર્યરત છે. ઉપરાંત ડિસ્ટ્રિક્ટ કોલ સેન્ટર નંબર ૧૯૫૦ પણ કાર્યરત છે અને સી-વીજીલ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકાય છે. આ લોકશાહીના અવસરે જિલ્લામાં ૮૦+ની ઉંમરના ૧૯૧૭૧ મતદારો સહિત કુલ ૯,૯૯,૪૧૫ મતદારો ભાગીદાર બનશે એવું ઉમેરતા તેમણે ચૂંટણીને સ્પર્શતી વિવિધ આંકડાકિય માહિતી પણ આપી હતી.
પ્રેસ કોન્ફરન્સના અંતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તુષારભાઈ જાની અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાએ ચૂંટણીના આયોજનને લગતા સુરક્ષા મુદ્દે, નામાંકન અંગે, મતદારો તેમજ મતદાન મથક, વિવિધ સુવિધાઓ, રેન્ડમાઈઝેશન, વેબ કાસ્ટિંગ મતદાન કેન્દ્રો વિશે ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધી પત્રકારોના વિવિધ સવાલોના માહિતીસભર જવાબો આપ્યા હતાં અને જિલ્લામાં વધુમાં વધુ લોકો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર થાય તેવો અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment