હિન્દ ન્યુઝ, ભુજ
વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના વરદ હસ્તે રવિવારના રોજ ભુજ નગરપાલિકા વિસ્તારમાં આરટીઓ અને રાવલવાડી રિલોકેશન સાઈટ ખાતે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી સડક યોજના ગ્રાન્ટ અંતગર્ત ભુજ શહેરના વોર્ડ નં.૧૦ના આરટીઓ રિલોકેશન સાઈટમાં ડામર રોડ રિસર્ફેસિંગ કામ રૂ.૩,૧૪,૭૮,૧૬૬ના ખર્ચે તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી શેરી નંબર ૧૦માં રૂ.૩.૨૫ લાખના ખર્ચે બ્રાઉન્ડ્રી વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાવલવાડી રિલોકેશન સાઈટ ખાતે વિવિધ રોડ રસ્તાના રિસર્ફેસિંગ કામો હેતુ રૂ. ૩ કરોડના ખર્ચે વિકાસકામોનું અધ્યક્ષએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષએ જણાવ્યું હતું કે, વિવિધ રિલોકેશન સાઈટનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
ભુજિયા ડુંગરમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્મૃતિવન મેમોરિયલ સામે આરટીઓ રિલોકેશન સાઈટનો વિસ્તાર એ સુવર્ણ વિસ્તાર છે. ભૂકંપ પછી બનાવવામાં આવેલી આ રિલોકેશન સાઈટના વિસ્તારમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરીને અધ્યક્ષએ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમને પણ ઉપસ્થિત સૌએ સાંભળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાંધકામ સમિતિના ચેરમેન મનુભા જાડેજાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, અગ્રણી સર્વ બાલકૃષ્ણભાઈ મોતા, રસીલાબેન પંડ્યા, તાપસભાઈ શાહ, અસ્મિતાબેન ગોર, રાહુલભાઈ ગોર, કશ્યપભાઈ ગોર, મહિદિપસિંહ જાડેજા, ઘનશ્યામભાઈસી.ઠક્કર, મનિષાબેન સોલંકી, કલ્પેશભાઈ ઠક્કર, મનોજભાઈ, દિલિપભાઈ ઠક્કર, દિનેશભાઈ ઠક્કર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.