હિન્દ ન્યુઝ, રાજકોટ
સેવાસેતુ કાર્યક્રમમાં ઉકેલ લાવી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવા કાર્યવાહી કોર્પોરેશન તથા સરકારી કચેરીઓ આપના આંગણે, બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં 3૨૫ લાભાર્થીઓએ સેવા સેતુનો લાભ લીધો.
પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નોના નિકાલ તેમજ સરકારની યોજનાઓના લાભ મેળવવા લોકો માટે જુદીજુદી તારીખોએ આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાના આયોજન અનુસંધાને આજે તા.૦૮/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે, જે. જે. પાઠક પ્રાથમિક શાળા (શાળા નં. ૧૯), સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ પાસે, રાજકોટ ખાતે વોર્ડ નં. ૭માં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં. ૭ ના કોર્પોરેટરઓ વર્ષાબેન પાંધી, નેહલભાઈ શુક્લ, દેવાંગભાઈ માંકડ, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, વોર્ડના પ્રભારી પ્રતાપભાઈ વોરા, વોર્ડ પ્રમુખ રમેશભાઈ દોમડીયા, વોર્ડના મહામંત્રી અનિલભાઈ લીંબડ, રાજુભાઇ મૂંધવા, શહેર ભાજપ અગ્રણી મયુરભાઈ શાહ, ગોવિંદભાઇ કાનગડ અને નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો અને રાજકોટ મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક જ સ્થળ ખાતે વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવે છે જેનાથી નાગરિકોનો સમય બચે અને ધક્કા ખાવા ન પડે તેના માટે આ પ્રકારના સેવા સેતુનું આયોજન કરવામાં આવે છે. નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારી સેવાઓનો લાભ મળે છે. વધુને વધુ શહેરીજનો આ સેવા સેતુનો લાભ મેળવો તેવો અનુરોધ છે.
આ પ્રસંગે મેયર ડૉ. પ્રદીપ ડવએ લાભાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભવોને આવકારતા એમ જણાવ્યું હતું કે, લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ જેવા કે રાશન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, આયુષ્યમાન ભારત કાર્ડ જેવી અલગ અલગ ૫૫ થી વધુ પ્રકારની સેવાઓનો લાભ એક જ સ્થળ ખાતેથી મળે છે. જેમાં કોર્પોરેશન હોય, મામલતદાર કચેરી હોય કે પછી કલેક્ટર કચેરીની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળે છે. વધુને વધુ લાભાર્થીઓ આ સેવા સેતુ મારફત વિવિધ સેવાઓનો લાભ ઉઠાવે તેવી વિનંતી કરવામાં આવે છે.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી અને કોર્પોરેટર વર્ષાબેન પાંધી દ્વારા પુસ્તક આપી મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા ત્યારબાદ કાર્યક્રમના અંતે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
લોકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે.