હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ તેઓ જ્યારે શિપિંગ મંત્રાલયના મંત્રી હતાં ત્યારે ભાવનગરને કન્ટેઈનરનું હબ બનાવવા માટે એક વર્ષ પહેલાં કરેલાં આહવાનને સાનુકૂળ પ્રતિભાવ આપીને ભાવનગર હવે કન્ટેનર નિર્માણનું હક બનવા જઈ રહ્યું છે.
આ માટે કન્ટેઈનરના નિર્માણની ફેક્ટરીઓની રૂબરૂ મુલાકાત માટે આજે કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(કોનકોર)ની ટીમ કોનકોરના સી.એમ.ડી. વી. કલ્યાણ રામાના નેતૃત્વમાં ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી હતી.
ટીમે વરતેજ ખાતે આવળકૃપા પ્રા. લિ. અને જુના બંદર ખાતે મેસર્સ મોહનલાલ ગોપાલજી પટેલ કંપનીની મુલાકાત લઈને કન્ટેઈનર બનાવવાની સુવિધાઓનું ઝિણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
ભાવનગર ખાતેની આ કંપનીઓ ખાતે ઉપલબ્ધ કન્ટેઈનર નિર્માણની અધ્યતન સુવિધાઓથી પ્રભાવિત થઈ ભાવનગરના વરતેજ ખાતે આવેલ આવડકૃપા કંપનીને ૧૦ હજાર કન્ટેનર બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભારત વર્ષના પ્રથમવાર એવું બન્યું છે કે જ્યારે કોઈ એક કંપની કે રાજ્યને એક સાથે ૧૦ હજાર કન્ટેઈનર બનાવવા માટેનું ઓર્ડર મળ્યો હોય.
આ ભાવનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારું પ્રકરણ બની રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેઈક ઈન ઇન્ડિયા’નું સ્વપ્ન આ દ્વારા ભાવનગરની ધરતી પર સાકાર થવા જઈ રહ્યું છે.
કોનકોરના સી.એમ.ડી. વી. કલ્યાણ રામાએ તેમની આ મુલાકાત દરમિયાન જણાવ્યું કે, કોનકોર ભાવનગરમાં મોટા પ્રમાણમાં કન્ટેઈનરનું નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, માત્ર કન્ટેઈનર નહીં પરંતુ કન્ટેઈનર સાથે ભારતમાં ઉત્પાદિત માલ પણ કન્ટેઈનર સાથે જાય તે પ્રકારની ઈકો સિસ્ટમ વિકસીત કરવા પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, સાઉથ કોરિયામાં સૌ પ્રથમ કન્ટેઈનર બનતાં હતાં. તે પછી ચીન તેને બનાવવા મંડ્યું અને આજે ચીનની કન્ટેઈનર બનાવવામાં ઇજારાશાહી છે. ત્યારે તેની સાથે સ્પર્ધામાં ટકી રહેવા માટે તમામ ઔદ્યોગિક એકમોએ એક સાથે મળીને કાર્ય કરવું પડશે. સ્ટીલની મોટા પ્રમાણમાં ખરીદી કરીને ભાવનો ઘટાડો મેળવવો પડશે. આંતરરાષ્ટ્રીય કિંમતના વધારા- ઘટાડાને પણ ધ્યાનમાં લેવું પડશે. જો આ બધું એક સાથે આપણે કરી શકીશું તો ભાવનગરમાં કન્ટેનરના નિર્માણ માટેની વિપુલ સંભાવનાઓ છે તેમ તેમને વધુમાં ઉમેર્યું હતું.
આવળકૃપા કંપનીના ડાયરેક્ટર હસમુખભાઈ વિરડીયાએ ૧૦ હજાર કન્ટેઈનર બનાવવાનો ઓર્ડર મળ્યાં બાદ તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ અમારા માટે એક પડકાર સાથે કંઈક કરી બતાવવાનો અવસર છે.
ગુજરાતને અને ખાસ કરીને ભાવનગરને જ્યારે આ તક મળી છે ત્યારે અમે તેને કોઈપણ હિસાબે સાકાર કરીને ભાવનગરને કન્ટેઈનર બનાવવાની દિશામાં આગળ લઈ જઈશું.
આ માટે જે પણ નવીન ટેકનોલોજી, માળખું જે પણ જોઈશે તે પરિશ્રમના પારસમણી દ્વારા શક્ય બનાવી ભારતને વાસ્તવમાં ‘મેક ઇન ઇન્ડિયા’ બનાવવાની પ્રતિબદ્રતા તેમણે વ્યક્ત કરી હતી.
આ મુલાકાતમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સાથે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંતોષસિંહ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જી. રવિકુમાર, અમદાવાદ ક્લસ્ટરના એ.કે. સિંહ, ભાવનગર રેલવે ડિવિઝનલ મેનેજર મનોજ ગોયલ, સિનિયર ડી.સી.એમ. શ્રી માશુક અહેમદ, શિપિંગ વિભાગના રાહુલ મોદી તથા આવળકૃપા અને મેસર્સ મોહનલાલ ગોપાલજી પટેલ કંપનીના કર્મચારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.