નારી વંદન ઉત્સવ અન્વયે માહિલાલક્ષી સાફલયગાથાની શ્રેણી -૬
હિન્દ ન્યુઝ, બોટાદ
વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વિચારધારાને વરેલી સરકાર વંચિતો, શોષિતો, ગરીબો તેમજ છેવાડાના માનવીઓના કલ્યાણાર્થે સંવેદનશીલતા સાથે કાર્યરત છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓના અમલ થકી મહિલાઓ આજે ડૉક્ટર, એન્જિનયર, પાયલોટ બની છે તેની સાથોસાથ દેશના પ્રથમ વ્યક્તિ તરીકે હાલ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદીમુર્મૂ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ અહીં વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના છેવાડાના વિસ્તારના ધજાળા ગામના વતની અને છેલ્લા ૧૨ વર્ષથી બોટાદની બોટાદકર કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા ડૉ.શર્મિલાબેન પરાલિયાની.
આમ જોવા જઇએ તો ડૉ.શર્મિલાબેન પરાલિયાએ વતન ધજાળામાં જ ધો.૧ થી ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠની શાખા રાંધેજામાં બી.એ.અને ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાંથી એમ.એ. તથા એમ.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી છે. જેઓ દ્રઢ મનોબળ,આત્મવિશ્વાસ અને અથાગ પુરુષાર્થથી બી.એ.,એમ.એ.,અને એમ.ફિલમાં ગોલ્ડમેડાલીસ્ટ બન્યા હતા. સાથે પીએચ. ડી.ની પદવી પણ હાંસલ કરી છે. આથી કહી શકાય કે માતા સરસ્વતીની સાધના કરવી એ કોઈનો ઈજારો નથી. જે તેને આરાધે તેને તે વરે.ઘણી બધી મહિલાઓ માત્ર આર્થિક પરિસ્થિતિ નબળી હોય કે પછી ધો-૧૦-૧૨ માં નપાસ થતાની સાથે જ અભ્યાસ કરવાનું છોડી દે છે તેવી મહિલાઓ માટે ડૉ.શર્મિલાબેન પરાલિયા પ્રેરણારૂપ બન્યાં છે.
ડૉ.શર્મિલાબેન પરાલિયા જણાવે છે કે, શિક્ષણ એ અતિ આવશ્યક છે. શિક્ષણ દ્વારા માનવી વ્યક્તિગત તથા સમગ્ર સમાજનો વિકાસ કરી શકે છે. સરકારશ્રીની મહિલાલક્ષી અનેકવિધ જનકલ્યાણ કારી યોજનાઓનો લાભ લઇને મહિલાઓ ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરીને પોતાના પરિવારની સાથે રાજ્ય અને દેશની સેવાઓ કરી રહી છે સાથોસાથ આજે મહિલાઓ આત્મનિર્ભર ગુજરાતની સાથે આત્મનિર્ભર ભારતમાં સહભાગી બની છે..
સરકારશ્રીએ દીકરીના જન્મને વધાવવા માટે જે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે જેમાં દીકરી પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવે તે વખતે રૂ. ૪ હજાર, નવમાં ધોરણમાં આવે ત્યારે રૂ.૬ હજાર જમા કરવામાં આવે છે. આ ઉપરાંત દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂ.૧ લાખની સહાય ચૂકવવામાં આવતી હોવાથી આ યોજના મહિલાઓ માટે ખૂબ જ આશિર્વાદ રૂપ બની છે. ૧૮૧ અભ્યમ વુમન હેલ્પલાઇનથી ઘરેલું હિંસા સામે મહિલાઓને સશ્કત બનાવી છે. સખી મંડળોએ સશ્કત કરી મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. ગભરાયા વગર સંઘર્ષ કરતાં રહેવાની ડૉ.શર્મિલાબેન પરાલિયાએ મહીલાઓને અપીલ કરી છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ