હિન્દ ન્યુઝ, બોટાદ
કહેવાય છે કે પુસ્તકોનું મુલ્ય રત્નો કરતાં પણ વધુ અમુલ્ય છે. રત્નો તો બાહ્ય ચમક-દમક આપે છે જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે. કારકિર્દીલક્ષી પુસ્તકો… એક એવો અમૂલ્ય ખજાનો જેની કીંમત માત્ર પોતાના ભવિષ્યને ઉજળું બનાવવા ઇચ્છતા યુવાનો જ જાણી શકે. તેમાપણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને એક જ સ્થળ પર જરૂરી તમામ પુસ્તકો મળી જાય તો પરીક્ષાલક્ષી તૈયારી સરળ બની જાય છે. આ જ હેતુથી બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા માહિતી કચેરી સંયુક્તપણે આ પુસ્તકાલય રૂપે એક નવી “પહેલ” શરૂ કરવા જઇ રહ્યાં છે.
ભારતવર્ષના ગૌરવપ્રદ વિકાસ વારસાની વંદના એટલે કે આઝાદીના અમૃત મહોત્સવની સર્વગ્રાહી અને સમાવેશી અભિગમ થકી નાગરિકોને સરકારની અમૃત સેવાઓથી લાભાન્વિત કરવા તેમજ સ્વર્ણિમ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત અભિનવ પ્રકલ્પ – પહેલ નો આવતી કાલે શુભારંભ કરવામાં આવનાર છે. ‘પહેલ’- વાંચનાલય અને પુસ્તક પરબ પ્રવૃત્તિ થકી બોટાદ જીલ્લાના વાંચન પ્રિય બાળકો, યુવાઓ અને વડીલો માટે ગુજરાત સરકારના માહિતી ખાતા અને સરકારી મુદ્રણાલય દ્વારા પ્રકાશિત થયેલ અમુલ્ય અને અતુલ્ય પુસ્તકો, સામયિકો અને વિવિધ અંકો સુગમતાથી પ્રાપ્ય થશે.
યુવાનો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે આવતી કાલે આ નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવશે. સવારના 11.00 કલાકથી 17.00 કલાક સુધી વાંચન ખંડ સાથેનું પુસ્તકાલય કાર્યરત રહેશે. “પહેલ” પ્રકલ્પની તમામ સેવાઓ નિ:શુલ્ક છે.
આ “પહેલ” પુસ્તકાલયના પ્રયાસ થકી પ્રગતિશીલ, વિકાસશીલ અને સંવેદનશીલ અભિગમને સાકાર કરી જ્ઞાનપર્વની ઉત્સાહપૂર્વકની ઉજવણીમાં સામેલ થવા તમામ વાંચન યોગીઓને જાણ કરવામાં આવે છે. વધુ વિગત અને માર્ગદર્શન માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર 6357390390 પર સંપર્ક કરી શકાશે.