હિન્દ ન્યુઝ, ભાવનગર
એક સમાજને સશક્ત બનાવવો હોય તો સૌપ્રથમ તે સમાજની મહિલાઓ તથા દિકરીઓને સ્વનિર્ભર બનાવવી પડે. મહિલાઓમાં ઘણી કળાઓ હોય છે. ભરતકામ, વેસ્ટમાંથી બેસ્ટ અને પુરવણી કામ એ તો આપણી ભારતીય સંસ્કૃતિથી ચાલી આવી રહ્યું છે. માં પોતાની દિકરીને સિવણકામ તથા ભરતકામ શિખવાડીને એક સામાન્ય વસ્તુને પણ સુંદર બનાવી દેતી હોય છે. આ શોખ રોજગારીમાં બદલીને મહિલાઓ સખી મેળાનાં માધ્યમથી વધુ લોકો સુધી પોતાની કળાથી પોતાની જાતની સાથે પોતાના ગામ, સમાજ, દેશને વૈશ્વિકસ્તરે આગવું સ્થાન પ્રાપ્ત કરવાં પ્રયત્નો કરતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાજ્યની ગ્રામીણ ગૃહઉદ્યોગ ક્ષેત્રની બહેનો તેમનો ગૃહઉદ્યોગ સારી રીતે કરી શકે અને આવી ૧૦ થી ૧૫ બહેનોનું જૂથ રચી ગ્રામીણ ગરીબ પરિવારની મહિલાઓને સમૂહના માધ્યરમથી ગરીબીમાંથી બહાર લાવી તેની આજીવિકામાં વધારો થાય તે માટે મિશન મંગલમ યોજનાની શરૂઆત કરી હતી. જે આજે રાજ્યની અનેક ગરીબ બહેનો- મહિલાઓને આત્મીનિર્ભર બનાવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત હેઠળ રાજ્યનાં ૨૦ વર્ષનાં વિકાસની વિકાસયાત્રા પ્રદર્શન અને સખી મેળાનું આયોજન કરવામાં આવ્યુંર છે. આવું જ વંદે ગુજરાતની પ્રદર્શની અને સખી મેળો ભાવનગરનાં જવાહર મેદાન ખાતે સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળએ ખુલ્લું મુકયું હતું.
આ તકે શિવ શક્તિ સખી મંડળનાં પ્રમુખ મનિષાબેને જણાવ્યું હતું કે, તેમનો પોતાનો હાથ બનાવટ તથા ભરત ગુથણનાં કામ થકી ઉત્પાદિત વસ્તુઓ વહેંચવા માટે આ સખી મેળા દ્વારા ઘણાં લાભો થયાં છે. તમનું આ મંડળ આજુબાજુનાં ગામની દિકરીઓનાં લગ્ન પ્રસંગે આણા માટેનાં ઓર્ડર મેળવી દિકરીઓને હાથ ભરત વાળી વસ્તુઓ બનાવી આપે છે. આ સિવાય ઘર સજાવવા માટે તોરણ, પગલુછણીયાં અને નાની સાદડી, પાથરણાં જેવી અનેક નાની-મોટી હાથથી બનાવેલી વસ્તુઓ પોતાનાં ગ્રામજનોને તેમજ નજીકનાં ગ્રામજનોને બનાવી આપે છે.
તેમણે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બહેનોને પ્રોત્સાહિત કરવાં અને ઘરની ચાર દિવાલોથી આગળ વધી પોતાનામાં રહેલી ખુબીઓ થકી કામ કરવાં અનેક નાની-મોટી યોજનાઓ અમલમાં લાવી રહી છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ-દિકરીઓ માટે આવા મેળાઓથી ઘણી બધી બહેનો રોજગાર મેળવી રહી છે. આવાં અનેક મેળાઓ થકી બહેનોને થકી આવક પોતાના ઘર ચલાવવા મદદરૂપ બની રહી છે જે સરકારનો એક સંવેદનશિલ નિર્ણય છે. આવા મેળાઓથી બહેનોને રોજગારી મેળવવા એક પ્લેટફોર્મ મળ્યું છે.
સમાજમાં રહેલી બહેનોને પણ સ્ત્રી-પુરૂષનાં ભેદભાવ વગર પુરૂષની સરખામણીમાં ટકી રહેવાં માટે કટીબધ્ધ બનાવી છે. આજનાં સમયમાં હવાઇ જહાજથી માંડીને શહેરની ગલીઓમાં રીક્ષા પણ બહેનો ચલાવી રહી છે. જે સરકારની આયોજનબધ્ધ યોજનાઓનું એક ઉત્તમ ઉદાહરણ છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી