કેન્દ્રિય રાજયમંત્રી કેલાસભાઇ ચૌધરીએ લાભાર્થી પરીવારને મળી તેમનો ઉત્સાહ બમણો કર્યો હતો

હિન્દ ન્યુઝ, ભુજ

“સરકારે સપનાનું ઘર બનાવવામાં સહાય કરી છે. જુઓને આ ઘર આવા ઘરમાં કોને મજા ના આવે ?! ” આમ બોલીને પ્રધનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રૂ.૧.૨૦ લાખની સહાય મેળવી ૧ રૂમ રસોડુ, ઓસરી અને આંગણાવાળુ સુંદર મકાન બતાવતા ગૃહસ્વામીની હંસાબેન મહેશ્વરી પાકુ શૌચાલય, બાથરૂમ , અગાસીવાળુ મકાન બતાવી હરખભેર ફરી કહે છે” એમાય મંત્રીને સરકાર પોતે આવી મહેમાન બને તો આનંદ કેવડો બેવડાઇ જાય બેન.. ”

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના તલવાણા ગામે કલરકામ કરી રોજીરોટી મેળવી પાંચ જણાનું ગુજરાન ચલાવતા ધીરજભાઇ મહેશ્વરીને ત્યાં તાજેતરમાં કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજયમંત્રીશ્રી કેલાસભાઇ ચૌધરીએ માંડવી મુન્દ્રા ધારાસભ્ય , કલેકટર પ્રવિણા ડી.કે તેમજ જિલ્લા અગ્રણીઓ અને અધિકારીઓ સાથે તેમના પરિવારની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ તેમનો ગૃહપ્રવેશ કરાવ્યો હતો.

કેન્દ્રિય રાજયમંત્રીએ આ તકે આવાસમાં જાત નિરીક્ષણ કરી ધીરજભાઇના પરીવાર સાથે સંવાદ કર્યો હતો. તેમજ તેમના આંગણામાં વૃક્ષ પણ રોપ્યું હતું. મંત્રીશ્રીએ લાભાર્થી પરીવારની લાગણીઓ જાણી હતી તેમજ ગામના સરપંચ કનુભા જાડેજા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજના નિયામક આસ્થાબેન સોલંકી સાથે ગામની આવાસ યોજના અંગે પૃચ્છા કરી હતી.

‘તલવાણામાં ૪ લાભાર્થીને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ મળ્યા છે તેમજ અન્ય ચારને સરકારી પ્લોટ ફળવવાની પ્રક્રિયામાં છે. ગામમાં ૧૩ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનોનું લક્ષ્ય છે, એમ નિયામક આસ્થાબેને જણાવ્યું હતુ ત્યારે તેમની વાતમાં સૂર પૂરતા ધીરજભાઇએ કહેલું કે , હા એમને પણ મારા જેવું સરસ મકાન બન્યું છે. હવે પાકા મકાનથી છતની ચિંતા ટળી.

એમના ગંગાસ્વરૂપા વૃદ્વ્ર માતા પણ સરકાર અને આવેલા મહેમાનોને આર્શીવાદ આપતા બોલ્યા હતા’, ઘડપણમાં પાકી છત મળી છે હવે માત્ર કમાઇને ખાવાની ચિંતા. અમારા નાના અને સુખી પરીવારને બીજુ શું જોઇએ બેન. હવે તો જાજરૂ એય ઘર આંગણે છે જુઓ.

ને ફરી એકવાર હંસાબેન મને જણાવે છે, બે દિકરીઓ અને સાસુ વહુનો પરિવાર આ સપનાના ઘરમાં મજા અનુભવીએ છીએ. ગામના બીજાય અમારૂ ઘર જોવા આવેને ત્યારે મન હરખાય જાય બેન.. કે મારે પણ સપનાનું ઘર છે.

Related posts

Leave a Comment