ઘટમાં ઘોડા થનગને,આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર સિંચાઈ યોજના વિભાગમાં મદદનીશ ઈજનેર, વર્ગ-૨ તરીકે ફરજ બજાવતાં નચિકેતા ગુપ્તાએ હાલમાં જ રાષ્ટ્રીય કક્ષાનો એડવાન્સ માઉન્ટેનીયરીંગ કોર્સ, પ્રતિષ્ઠિત હિમાલયન માઉન્ટેનીયરીંગ ઇન્સ્ટિટયૂટથી સફળતાપૂર્વક પૂર્ણ કરવાં સાથે સર કરવામાં દૂર્ગમ એવાં ૧૮,૦૦૦ ફીટની ઊંચાઈ પર આવેલ હિમાલયના બી.સી. રોય પર્વતની ટોચ પર પહોંચી ગુજરાત રાજ્યનો પરચમ લહેરાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના સિંચાઇ વિભાગના અધિકારીએ પોતાના ધગશ અને પરિશ્રમથી બર્ફીલી રમતોમાં આગવી નામના મેળવેલી છે. તેઓ નેશનલ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી બરફમાં રમાતી રમત ગમત ક્ષેત્રે નૂતન કેડી કંડારનારા જૂજ ખેલાડીઓમાંના એક છે.

તેમણે આપણે સાંભળ્યું પણ ન હોય તેવી બર્ફિલી સ્પર્ધાઓ સ્લાલોમ તથા જાઈન્ટ સ્લાલોમ જેવી સ્પર્ધાઓમાં આગવી પ્રતિભા બતાવીને પોતાનું નામ બનાવવાં સાથે રાજ્યનું નામ પણ રોશન કરેલું છે. આપણાં રાજ્યમાં જ્યારે બરફ પર સરકવાની રમતો તથા તેનું વાતાવરણ ન હોય તેવાં સમયે બર્ફીલી રમતોમાં કુશળતા બતાવવી બહુ કપરું કાર્ય બની જાય છે. તેવી રમતોમાં તેમણે મહારથ હાંસલ કરેલી છે.

તેઓએ આ તાલીમ દરમ્યાન તેઓએ સિક્કિમ, હિમાલયમાંના ખૂબ જ કપરા એવાં આકરા ઢાળવાળા ૧૮,૦૦૦ ફીટની ઊંચાઈ વાળા ટેકનીકલ પર્વત ‘માઉન્ટ બી.સી રોય’ ને સફળતાપૂર્વક સર કર્યો હતો.

આ પર્વતની ટૂંક પશ્ચિમ સિક્કિમમાં નેપાળને સ્પર્શતી બોર્ડર પાસે આવેલ છે. આ પર્વતનું નામ પશ્ચિમ બંગાળના પ્રથમ મુખ્યમંત્રી બિધાન ચંદ્ર રોયના નામ પરથી બી.સી. રોય ચોટી રાખવામાં આવેલ છે. આ પર્વતારોહણના બેઝ કેમ્પ સુધી પહોંચવાનો જે ટ્રેક છે એનો સમાવેશ એશિયાના કપરા ટ્રેકમાં કરવામાં આવે છે. આ મિશનનું નામ ‘સેવ સોઇલ’ હતું.

બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે યુક્શુમથી શરૂ કરી પ્રથમ શોકા (૧૦,૦૦૦ ફીટ) પછી જોંગરી(૧૩,૦૦૦ ફીટ) અને અંતે ચૌરીખાંગ બેઝ કેમ્પ (૧૫,૦૦૦ ફીટ ) સુધી પહોંચવાનું હતું. જે ભૌગોલિક રીતે ખૂબ જ કપરા ઢાળવાળો ૪૦ કી.મી નો ટ્રેક છે. ત્યાંથી રાશન, ગેસ સીલિન્ડર, શાકભાજી, વાસણ, ટેન્ટ, બધાં જ પર્વતારોહણના સાધનો અને પોતાનો વ્યક્તિગત સામાન લઇ એડવાન્સ બેઝ કેમ્પ (૧૬,૫૦૦ ફીટ) સુધી પહોંચવાનું હોય છે.

આ યાત્રા સતત ૪ દિવસની પડકાર ભરી સફર હોય છે. સંપૂર્ણ તાલીમ અને બી.સી. રોય ચોટીના ચઢાણ માટે કુલ એક મહિનાનો સમય લાગે છે. આ માટેની પૂર્વ તૈયારી માટે પાંચ મહિના જેટલો ગાળો સખત મહેનત કરવી પડે છે. પર્વતારોહણ દરમ્યાન ડગલેને પગલે શારીરિક તેમજ માનસિક પડકારો ઝીલવાના થાય છે.

ક્યારેક મુસળધાર વરસાદ હોય તો ક્યારેક ૧૦-૧૦ દિવસના સતત બરફ વર્ષા. માઈનસ ૧૫ થી ૨૦ ડિગ્રી જેટલું નીચું તાપમાન શારીરિક રીતે પડકાર ઉભો કરતું હોય છે અને રાશન – પાણીની અછતને લઇને સતત ચિંતિત રહેતું પડતું હોય છે. સતત ફૂંકાતા તોફાની પવન સામે ૨૦ થી ૨૫ કિલોનું વ્યક્તિગત બેગ લઈને સતત ચઢાણ પર આગળ વધતાં રહેવું સ્વયંને અગ્નિ પરીક્ષાની સાક્ષીએ સ્વયંને સિદ્ધ કરવાં જેવી ઘટના હોય છે.

૧૫૦૦૦ ફુટ થી ઉપર હવાનું દબાણ તથા ઓછું થતું ઓક્સિજનનું પ્રમાણ વ્યક્તિની કાર્યક્ષમતામાં જ્યારે કમી કરી રહેલ હોય એવામાં પોતાના ટેન્ટ જાતે જ લગાવવાની અનોખી તાલીમ અહીં કામમાં આવે છે.

આવી પરીસ્થિતિઓનો તેમણે સાહસ અને આત્મવિશ્વાસથી સામનો કર્યો અને કુશળતાપૂર્વક બી.સી. રોય પર્વત સર કરી તિરંગો લહેરાવ્યો. ગુજરાતમાંથી આ પર્વત સર કરનાર કદાચ આંગળીના વેઢે જ ગણી શકાય તેટલી વ્યક્તિઓ છે ત્યારે ભાવનગરના એક અદના કર્મચારી તરીકે તેમની આ સિધ્ધિએ ભાવનગરના ગૌરવમાં એક નવી યશકલગી ઉમેરી છે.

એટલે જ કહેવાય છે કે, ‘ઘટમાં ઘોડા થનગને,આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ’. યુવા અને જોશીલા યુવકો જ નવી અને નહીં જોયેલી ભૂમી ખેડી શકે છે. ભારત તો યુવાઓનો દેશ છે અને વિશ્વનું નેતૃત્વ ભારત કરવાં જઇ રહ્યું છે ત્યારે અણદીઠેલી ભોમકા પર હવે ગુજરાતી યુવાનો પણ દસ્તક દેવાં લાગ્યાં છે તેનું આ ઉદાહરણ છે.

તેમનું આ અદમ્ય સાહસ અને વિષમ પડકારો વચ્ચે માનવીય મર્યાદાઓને સર કરીને આગળ વધવાની જીજીવિષા ભાવનગરના યુવાઓમાં નવું જોશ ભરવાનું કાર્ય કરશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment