રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો સૌ પ્રથમવાર સુગ્રથિત પ્રયાસ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રી વાઘાણી ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માં જરૂરી માર્ગદર્શન મળી રહે અને તેઓ તેમની કારકિર્દી વધુ સારી રીતે ઘડી શકે એ આશયથી આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે જે અંતર્ગત રાજયની આઠ મહાનગરપાલિકાઓમાં તા.૨૬મી મે મહાનગર પાલિકા કક્ષાના, પચ્ચીસ જિલ્લાઓમાં તા. ૩૦મી મે એ જિલ્લા કક્ષાના અને ૨૪૯ તાલુકાઓમાં તા. ૧લી જૂનથી ૬ઠ્ઠી જૂન દરમિયાન તાલુકા કક્ષાના કાર્યક્રમો સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન યોજાશે. કાર્યક્રમોના સ્થળની વિગતો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે તે માટે આ કાર્યક્રમોમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવનાર છે. જેનો મહત્તમ લાભ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ૮ મહાનગરો તથા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ માત્ર ધોરણ ૧૦ અને ૧૨ નહીં પણ ધોરણ ૯ થી ૧૨ સુધીના વિધાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીને લગતા સવાલો માટે સેમિનાર યોજવામાં આવશે.આ પ્રકારનો સેમિનાર ગુજરાતમાં પ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે એમ તેમણે વધુમાં પણ ઉમેર્યું હતું.

મંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, કૃષિ વિભાગ, રોજગાર વિભાગ જેવા વિભાગો સાથે સંકલન સાધીને આ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી,

Related posts

Leave a Comment