ભાવનગર કલેક્ટર તરીકે પદભાર સંભાળતાં રમેશ મેરજા

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરના કલેક્ટર તરીકે આજે રમેશ મેરજાએ પદભાર સંભાળી લીધો છે. ગઇકાલે જ રાજ્ય સરકાર દ્વારા તેમની ભાવનગર કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી અને આજે જ તેમણે તેમનો નવીન પદભાર સંભાળીને તેઓ સમયના પાબંધ છે તેનો પરિચય કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર ખાતે કલેક્ટર તરીકે કાર્યરત યોગેશ નીરગુડેની ગાંધીનગર ખાતે બદલી થતાં આજે સવારે જ તેમણે તેમનો ચાર્જ નવનિયુક્ત કલેક્ટર રમેશ મેરજાને સુપ્રત કર્યો હતો.

વર્ષઃ ૨૦૧૨ ની બેચના આઈ.એ.એસ. એવાં રમેશ મેરજા આ અગાઉ ભાવનગરના પાલીતાણા ખાતે ડેપ્યુટી કલેકટર રહી ચૂક્યાં છે. તેથી ભાવનગરની ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. જેનો લાભ ભાવનગર જિલ્લાને ચોક્કસ મળશે.

તેમની જિલ્લાની પરિચિતતાથી જિલ્લાના નિર્ણયોમાં ચોક્કસ ઝડપ આવશે અને વહીવટી કામમાં ગતિશીલતા જોવાં મળશે.

ઉલ્લેખનીય છે કે, રમેશ મેરજા આ અગાઉ અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર પદે કાર્યરત હતાં.

આ અગાઉ તેઓ રાજકોટમાં નાયબ મનોરંજન કર કમિશનર, આણંદ અને નવસારીમાં જિલ્લા પુરવઠા અધિકારી, રાજ્ય સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં અધિક કલેક્ટર, નડિયાદ અને મહેસાણા ખાતે અધિક નિવાસી કલેક્ટર તેમજ પાટણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે યશસ્વી કામગીરી કરી ચૂક્યાં છે.

ગઈકાલે સાંજે બદલીના ઓર્ડર મળતાં જ આજે બીજા દિવસે તેમણે ભાવનગર આવી કલેકટર તરીકેનો ચાર્જ સંભાળવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. કલેક્ટર કચેરીના અધિકારીઓએ તેમનું સહર્ષ સ્વાગત કરીને શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે બદલી થયેલાં પૂર્વ કલેકટર યોગેશ નીરગુડેને પણ નવી કામગીરી માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. કૃષિ ક્ષેત્રના સ્નાતક હોવાં સાથે તેઓ કાયદાની પદવી પણ ધરાવે છે. આ ઉપરાંત તેઓ પત્રકારત્વમાં પણ સ્નાતક પદવી ધરાવે છે. તેઓ મળતાવડાં હોવાં સાથે ગુજરાતની પ્રજાના પ્રાણપ્રશ્નોને સારી રીતે સમજે છે. તેઓએ વિવિધ હોદ્દાઓ પર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવી છે. ત્યારે તેમના અનુભવનું ભાથું ભાવેણાં માટે ઉપયોગી બની રહેશે.

પૂર્વ કલેક્ટર યોગેશ નિરગુડેએ કલેકટર રહ્યાં પૂર્વે ભાવનગર નગરપાલિકાઓના પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર પદે પણ તેમની સેવા આપી હતી. આમ, તેઓ લાંબા સમયથી ભાવનગર ખાતે કાર્યરત હતાં. કલેકટર પદે તેમણે સવા વર્ષ ફરજ બજાવી હતી. આ દરમિયાન ૬ મહિના સુધી મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ પણ વહન કર્યો હતો.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment