હિન્દ ન્યુઝ, ભુજ
હાલે રાજયમાં ગરમીએ માઝા મૂકી છે ત્યારે સરકાર વખતો વખત ગરમીથી બચવાના વિવિધ જાહેરનામા મૂકી પ્રજાની સુખાકારીની ગાઇડલાઇન પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા રજુ કરે છે. જન સ્વાસ્થ્ય માટેના માર્ગદર્શનો ચોકકસ આવકાર્ય અને સ્વીકાર્ય છે પણ સાથો સાથ આપણે પણ પોતાના આરોગ્યને અંદરથી મજબૂત કરવાની જરૂરિયાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આયુર્વેદ આયુષ દ્વારા જન સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકયો છે ત્યારે કચ્છ જેવી વિષમતા ધરાવતા પ્રદેશમાં આકરા તાપ વચ્ચે આયુર્વેદ દ્વારા કેમ મજબૂત બનવું તે કચ્છ જિલ્લા આયુષ અધિકારી ડો.પવનભાઇ મકરાણી દ્વારા રજુ કરેલ ઋતુ આહાર ચર્ચા વિશે માહિતગાર થઇએ. હાલ ઉનાળો એટલે કે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં દરેક ઋતુમાં કેવી રીતે રહેવું, શું ખાવું- શું ન ખાવું અને શું કરવું-શું ન કરવું એ માટે દરેક ઋતુની અલગ ઋતુચર્યાનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ઉનાળામાં એટલે કે ગ્રીષ્મ ઋતુમાં સ્વસ્થ રહેવા, ઉનાળામાં થતી બિમારીઓથી તેમ જ હિટ વેવથી બચવા માટે પણ આ નિર્દેશોનું પાલન ઉપયોગી બને.
ઋતુચર્યાને બે વિભાગમાં વહેંચી શકાય: (૧) આહારના નિર્દેશો- એટલે કે ખાવા-પીવામાં જે ધ્યાન રાખવું જોઈએ. (2) વિહારના નિર્દેશો- એટલે કે જીવનશૈલીમાં જે ફેરફારો કરવા જોઈએ.
આહારના નિર્દેશો: ખાવા-પીવામાં શું ધ્યાન રાખવું?* તરસ અનુસાર કુદરતી ઠંડુ થયેલ પાણી-પીણાં પીવાં. ફ્રિજનું ઠંડુ પાણી કે બરફ નાખેલું પાણી-પીણાં ન પીવાં. માટલાના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું. માટલામાં સુગંધી વાળાની પોટલી મૂકવી. ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો પ્રવાહીનું પ્રમાણ થોડું વધારે રાખવું. વિવિધ ફળોના શરબત (ઘરે બનાવેલા) સાકર અને મધ ઉમેરીને લેવા.. (બરફ નાખ્યા વગર) સકરટેટી, દ્રાક્ષ, ફાલસા, કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુ પ્રમાણેના ફળો લેવા. ગુલકંદનું સેવન કરવું. પચવામાં સરળ અને હળવા હોય તેવા દૂધી, સરગવો, ગલકાં, તુરિયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા. બજારુ પેકિંગ કરેલા ફ્રૂટના જ્યુસ કે રેડી મેઇડ કોલ્ડ ડ્રિંક્સ ન લેવા. ઘરે બનાવેલો તાજો શ્રીખંડ લેવો. નાળિયેર પાણી, મધ અને પાણી, વરિયાળી કે ધાણા નાખીને બનાવેલ પાણી પીવું. ખાટા, તીખા, તળેલા, ખારા સ્વાદવાળા ખોરાક ન લેવા. રાઈ, મરચું, મરી, લસણ, ગોળ, રીંગણ તથા ગરમ મસાલાવાળા ખોરાક ન લેવા. ચોખા સાથે ઘી અને દૂધ (ખીર)નું સેવન કરવું.
વિહારના નિર્દેશો: જીવનશૈલીમાં શું ફેરફારો કરવા ? તડકો, સીધા ગરમ પવનથી બને એટલું દૂર રહેવું. બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું. ચંદન,સુખદ,સરિવા વગેરે નો લેપ કપાળ અને માથાના ભાગમાં કરવો રાત્રે અગાશી કે ધાબા પર સૂવું. ખાસ સુતરાઉ, સફેદ રંગના, હળવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. તડકામાં નીકળવા સમયે માથું અને હાથ-પગ વગેરે ખુલ્લા અવયવો કપડાંમાં ઢાંકીને નીકળવું. છત્રી સાથે રાખવી ઉત્તમ. તડકામાંથી તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણમાં જવું નહીં, તડકામાંથી ઘરે આવીને તરત જ હાથ-પગ-મોં ધોવા નહીં, તરત નહાવું નહીં કે તરત પાણી પીવું નહીં. સવારે કેસૂડાના ફૂલ નાખેલ પાણીથી નહાવું. કસરત (ખાસ કરીને વેઇટ-લિફ્ટિંગ) ન કરવી. ઉનાળામાં દિવસે થોડો સમય (૧૫ થી ૩૦ મિનિટ) સુવાની છૂટ છે. લૂ લાગવાના (સન સ્ટ્રોક) લક્ષણોમાં માથામાં દુઃખાવો, હદયના ધબકાર વધવા, શોષ પડવો, થાક લાગવો, બેભાન થઈ જવું, ચામડી લાલ થઈ જવી, અશક્તિ લગાવી, ઝાડા થવા આમાંનું કઈં પણ થઈ શકે..
લૂ લાગવાના (સન સ્ટ્રોક) ઉપાયો: ઉનાળામાં તડકા માંથી આવ્યા હોઈ કે તડકામાં જવાનું હોય ત્યારે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સંચાલિત સરકારી આયુર્વેદિક દવાખાનાઓમાં લૂ સામે રક્ષણ આપતી દવા ૫ ગ્રામ (અંદાજિત ૧ ચમચી) અને સાકર માફકસર (અંદાજિત ૨ ચમચી) મીલાવી ૧ ગ્લાસ માટલાના ઠંડા પાણીમાં ૧ કલાક સુધી રાખી ગાળીને લેવું. કાચી કેરીનો બાફલો, કોકમનું શરબત, ખસનું શરબત, વરિયાળીનું શરબત, લીંબુ શરબત, ધાણાનું પાણી પીવું. ડાયાબીટીસના દર્દીઓએ સાકર ના બદલે દેશી જૂના મધનો ઉપયોગ કરવો હિતાવહ છે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી પવન મકરાણી જિલ્લા પંચાયત કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.