બોટાદ જિલ્લાના બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ તારીખ ૨૨ એપ્રિલ -૨૦૨૨નાં રોજ “આયુષ્માન ભારત” બ્લોક હેલ્થ મેળો યોજાયો હતો. 

  આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલા દ્વારા સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો તેમજ ખાસ કરીને સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત PM-JAY કાર્ડ કઢાવી આપના પરિવારને 

રૂ. ૫.૦૦.૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પુરા.) સુધીની સરકારી તથા માન્ય ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય અને ગંભીર રોગોની સારવાર માટેની કાર્ડ દ્વારા મળતી કેશલેસ સુવિધાનો લાભ લેવા જણાવ્યું હતું તથા સરકાર દ્વારા ચાલતા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સેવાઓ અને ખાસ કરીને ભવિષ્યમાં બિનચેપી રોગો જેવા કે, હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર અને મગજની બીમારીથી બચી શકાય તે માટે આરોગ્ય શિક્ષણ મેળવી જીવનશૈલી, યોગ, પ્રાણાયામ અને પોષણક્ષમ આહાર વિશેની જાણકારી મેળવી “પહેલું સુખ તે જાતે નર્યા” સુત્ર અનુસાર સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકાય તે માટે જાગૃતિ કેળવવા અને લોકોને જાગૃત થવા વધુમાં જણાવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હેલ્થ મેળા અંતર્ગત લાભાર્થીઓને આપવાની સેવાઓ બાબતે અને ભવિષ્યમાં ચેપી અને બિન-ચેપી રોગોનાં અટકાયતી પગલાઓ વિશે અને હેલ્થ મેળામાં આયુષ્માન ભારત (AB-PM-JAY) યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવનાર છે તેમજ હેલ્થ મેળા અંતર્ગત લોક જાગૃતિ માટે વિવિધ આરોગ્યલક્ષી યોજના વિષે વિસ્તૃતમાં માહિતી – માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૩૮૬ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી પ્રદર્શન, આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા, મોતિયા અને દાંત તેમજ ટી.બી., કેન્સર, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ જેવા રોગોનું નિદાન, સારવાર, રોગ અટકાયતી પગલાં વિશેની જાણકારી જેવી સેવાઓનો સારા પ્રમાણમાં લાભ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ પદાધિકારી અને અધિકારીઓ તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ 

 

Related posts

Leave a Comment