ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થાઓના સરાહનીય પ્રયાસો

સુરત

             દર વર્ષે તા.૨૪મી માર્ચ વિશ્વ ટી.બી.દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થા સંપુર્ણ રીતે કટિબદ્ધ છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં આજના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધવામાં આવ્યા હતા. એમની યાદમાં દર વર્ષે આ દિવસે ક્ષય નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલા ટીબીના રોગને ગંભીર રોગ ગણાતો હતો. પરંતુ આજે ટીબીનું નિદાન સરળતાથી થઇ રહ્યું છે. અનેક દર્દીઓ સારવાર કરીને ટી.બી મુક્ત થયા છે. સુરત જિલ્લામાં હાલમાં ૨,૧૨૪ દર્દીઓ ટી.બી.ની સારવાર મેળવી રહ્યા છે. સુરત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો, રેલી યોજી તથા ડોર ટુ ડોર સંપર્ક કરી લોકોમાં ટી.બીના રોગ વિશેની જાગૃતા ફેલાવી રહ્યા છે. મુખ્યત્વે ટી.બી. સીગારેટ, તમાકુ સહિતના વધુ પડતા સેવનથી આ રોગ થતો જોવા મળે છે. ટી.બી. (માઇક્રોબેક્ટેરિયલ સુબરક્લોસીસ) નામના બેક્ટરીયાથી ફેલાઇ છે. જે સામાન્ય રીતે ફેફસા પર અસર કરે છે. જેને પલ્મોનરી ટી.બી. કહે છે. પરંતુ આ રોગ શરીરના કોઇપણ ભાગમાં અસર કરી શકે છે. અને ફેફસા સિવાય કોઇપણ અંગના ટી.બી. ને એકસ્ટ્રા પલ્મોનરી ટી.બી. કહે છે. ગ્રામ્ય વિસ્તારમાં ટીબીના દર્દીઓની દેખરેખ આશાવર્કર બહેનો કરી રહી છે. જેમને પ્રત્યેક દર્દીની ટી.બી મુક્ત થતા રૂ.૧,૦૦૦ની સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે. ટી.બી.ની સારવાર લઇ રહેલા પેશન્ટને સરકાર દ્વારા પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે રૂા.૫૦૦ માસીક સહાય પણ ચુકવવામાં આવે છે. ટી.બી.ની બિમારીમાં સૌથી મોટુ લક્ષણ ઉધરસ છે. પરંતુ મોટા ભાગે લોકો સામાન્ય ઉધરસ સમજીને અવગણના કરે છે. પરંતુ સતત ૨ અઠવાડિયા કે વધુ સમય સુધી ઉધરસ આવવાની સમસ્યા હોય અથવા સાંજના સમયે ઓછા તાપમાનથી તાવ આવવો, ભુખ ઓછી લાગવી, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે સુતા સમયે પરસેવો થતો હોય તો નજીકના સરકારી દવાખાને તપાસ કરાવી ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી ખુબ જરૂરી છે. દર્દીના ગળફાની તપાસમાંથી ટી.બી.નું નિદાન થાય છે. જે નજીકના અર્બન સેન્ટર કે કોઇપણ સરકારી દવાખાને વિનામુલ્યે કરવામાં આવે છે. રાજય સરકાર દ્વારા ૨૦૨૫ના વર્ષ સુધીમાં ટીબીના રોગને નાબુદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં ટીબીના કેસ શોધવા માટે ખાસ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ટી.બી. રોગના લક્ષણો ગળફા સાથે ખાંસી હોવી, છાતીનો દુખાવો થવો, ગળફામાં લોહી આવવું, શરીરનું તાપમાન વધવું, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે વિશે આશા બહેનો તથા આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા પુછપરછ અને તપાસ કરવામાં આવે છે. ટી.બી.નો કોર્સ અધુરો મુકવાથી ટી.બી. ફરી ઉથલો મારે છે અને પછી એની સારવાર કરવી ખુબ મુશ્કેલ અને ખર્ચાળ બની જાય છે.

Related posts

Leave a Comment