હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચ જિલ્લાના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે
ભરૂચ જીલ્લામાં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે હેતુસર ૨૧મી ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ ૨૦૨૨ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે. ખેતીવાડી ખાતાની વિવિધ ઘટકોની યોજનાકીય સહાય માટે તા.૨૧/૦૨/૨૦૨૨ થી તા.૨૧/૦૩/૨૦૨૨ સુધી ખેડૂતો ઓનલાઈન અરજીઓ કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રાખવાનું નક્કી થયેલ છે જે માટે નિયત થયેલ સમયગાળા દરમ્યાન આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. ખેડૂતોને કલ્ટીવેટર, કમ્બાઈન્ડ હાર્વેસ્ટર, ચાફ કટર, ટ્રેક્ટર, તાડપત્રી, પ્લાઉ, પશુ સંચાલિત વાવણીયો, પોટેટો પ્લાન્ટર, પોટેટો ડીગર, બ્રશ કટર, રોટવેટર, સ્માર્ટ હેન્ડ ટુલ્સકીટ, પંપ સેટ્સ, વોટર કેરીંગ પાઈપ લાઈન, માલ પરિવહન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર(ગોડાઉન) સહીત કુલ ૪૯ સાધનો સહાય હેતુ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવે છે. જેમાં ખેડૂતો લાભ લઇ ઓનલાઈન અરજી કરી શકશે. વધુમાં સને ૨૦૨૨-૨૩ થી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓના ઓટો ઇન્વર્ડની પદ્ધતિ દાખલ કરવામાં આવે છે. આથી અરજદારે ઓનલાઈનકરેલ અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહશે તથા કોઈ કચેરી ખાતે જમા કરવાની જરૂરિયાત નથી પરંતુ ઓનલાઈન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પૂર્વમંજુરી આપવામાં આવેતો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઈમ સંબંધિત ખેતીવાડી કચેરીએ રજુ કરવાની રહેશે એમ જીલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.