જામનગર જિલ્લાના 39000 થી વધુ લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી મળ્યું આરોગ્ય કવચ

હિન્દ ન્યુઝ, જામનગર 

સંકલ્પએ સફળતા માટેનું પ્રથમ પગથિયું છે. કોઈપણ કાર્ય કરવા માટે દ્રઢ સંકલ્પ અને સુચારું આયોજન કરવામાં આવે તો ન માત્ર સફળતા પરંતુ સમૃદ્ધિના દ્વાર પણ ખૂલે છે. અને દેશના લોકો માટે સમૃદ્ધિના દ્વાર ખોલનાર કદમ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. જામનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ 24 નવેમ્બર 2023થી થયો હતો. ત્યારથી અત્યારસુધી જામનગર જિલ્લામાં 39018 લાભાર્થીઓને આરોગ્ય કવચ મળ્યું છે.

ભારતમાં વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજનાનો પરિણામલક્ષી અમલ થયો છે. નાગરિકોને સારામાં સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વર્ષ 2018માં પ્રારંભ થયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓને પરિવાર દીઠ રૂ.5 લાખની આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે. કેન્દ્ર સરકાર ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા વધારાના રૂ.5 લાખ મળીને લાભાર્થીઓને કુલ રૂ.10 લાખની વીમા સહાય આ યોજના હેઠળ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધી 1.95 કરોડથી વધુ લાભાર્થીઓને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી જ 39018 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત પ્રાયમરી, સેકન્ડરી તેમજ ટર્શરી બીમારીની કુલ 2711 નિયત કરેલી પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની સારવાર મળે છે.આ યોજના હેઠળ હ્રદય, કિડની, મગજ, ડાયાલિસીસ, કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં યોજનાનો લાભ મળવાથી દર્દીના આયુષ્યમાં વધારો થયો છે. યોજના અંતર્ગત કુલ 2729 હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ છે. આમ ગુજરાત નિરામય બને, શ્રેષ્ઠ સારવાર સુવિધાઓ નાગરિકોને મળે અને તેઓ નીરોગી બને તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. વિશ્વના સૌથી મોટા આરોગ્ય વીમાકવચ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી રાજ્યના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા દૂર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કરી રહ્યું છે.

Related posts

Leave a Comment