‘મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે’ ની અનોખી પહેલ

ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખના અભિયાન થકી છેવાડાના લોકોને મળશે સરકારની વિવિધ યોજનાઓના લાભો

ચોર્યાસી તાલુકાના દરેક ગામોમાં સરકારી યોજનાઓની સમજ આપતા કેમ્પ યોજીશું : ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિક પટેલ

હિન્દ ન્યુઝ, સુરત

ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિકભાઈ પટેલે ‘મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે’ના રૂપમાં નવી એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ ગામોના જરૂરિયાતમંદ ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ ઘરઆંગણે મળી રહે એવા પ્રયાસથી કવાસ ગામના સમાજ સદન હોલ ખાતે સરકારી યોજનાકીય લાભ અને સમજ આપવાનો કેમ્પ યોજાયો હતો. આસ્તિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ચોર્યાસી તાલુકાના તમામ ગામોની જનતા સરકારના વિવિધ લાભોથી વંચિત ન રહી જાય એ માટે ‘મારો ચોર્યાસી તાલુકો, મારા ઘરઆંગણે’ નામથી તાલુકાના ગામોમાં કેમ્પ યોજવાનો સંકલ્પ કર્યો છે. અમારો મુખ્ય હેતુ છેવાડાના લોકો સુધી સરકારના વિવિધ લાભો આપવાની સાથે સંબંધિત યોજનાની સમજ આપવાનો પણ છે. જેથી વધુમાં વધુ ગ્રામજનો લાભ મેળવવા પ્રેરાય. જેના ભાગરૂપે કવાસ ગામમાં કેમ્પ યોજી મોટી સંખ્યામાં લોકોને ઘરઆંગણે લાભો આપવામાં આવ્યાં છે. કવાસ ગામના કેમ્પમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ, પ્રધાનમંત્રી જનઆરોગ્ય કાર્ડ યોજના, ઈ શ્રમ કાર્ડ યોજના, વિધવા પેન્શન યોજના, પાલક માતાપિતા યોજનાનો લાભ લીધો હતો. આ ઉપરાંત ખેડૂતો, બાળકો અને મહિલાઓ, લઘુ ઉદ્યોગ કરતા ફેરિયાઓ, લારીગલ્લા, શાકભાજીવાળા, દૂધવાળા માટેની અનેક યોજનાઓ લાભ વિશેની સમજ આપવામાં આવી હતી. ગ્રામજનોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે જેનો ખૂબ આનંદ છે એમ શ્રી આસ્તિકભાઈએ જણાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીઓ સર્વ યોગેશભાઈ પટેલ, છોટુભાઈ પટેલ, કરશનભાઈ પટેલ, કિશનભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, કુંતલ પટેલ, ચોર્યાસી તા.પંચાયતના ઉપપ્રમુખ વાસંતીબેન પટેલ, જિલ્લા પંચાયતના દંડક ઋષિભાઈ પટેલ, સદસ્ય નિલેશભાઈ તડવી, સરપંચ જાગૃતિબેન રાઠોડ, ઉપસરપંચ મનોજભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment