ભાવનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા સહકારી સેમિનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, 

ઇફ્ફોના નવનિયુક્ત ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું છે કે, આજે પૂ. બાપુનો નિર્વાણ દિનને ત્યારે પૂ. બાપુએ પ્રશસ્થ કરેલાં પદચિહ્નો પર ચાલીને ‘ગાંધી નિર્વાણ દિન’ને ‘ગાંધી નિર્માણ દિન’ બનાવીએ. તેમણે કહ્યું કે, સહકારના જે સિધ્ધાંતો છે તે ગાંધીજીને પ્રિય ભજન ‘ વૈષ્ણવ જન તો તેને રે કહીએ….’માં પણ પડઘાય છે. સહકારનું મહત્વ તે સમયે સરદાર પટેલ અને પંડિત નહેરૂએ પણ પારખ્યું હતું તેથી તે વખતની નીતિઓ પણ કૃષિ અને સહકારને પ્રેરતી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ તેને સશક્ત બનાવી દેશને સમૃધ્ધ બનાવવા માટે આહવાન કરે છે. તળાજા તાલુકાના બપાડા ખાતે સહજાનંદ વિદ્યાલય ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં પૂ. બાપુને શ્રધ્ધાસૂમન અર્પણ કરતાં તેમણે જણાવ્યું કે, પૂ. બાપુ ગામડાને ભારતનો ધબકાર માનતા હતાં. આજે આંતરરાષ્ટ્રીય કંપનીઓ મોટા પ્રમાણમાં દેશમાં સક્રિય બની છે ત્યારે સ્થાનિક પેદાશોને બચાવવાં માટે સહકાર ક્ષેત્રને સશક્ત અને મજબૂત બનાવવું પડશે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેને જરૂરીયાત પારખીને નવા સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકાર થી સમૃધ્ધિનો માર્ગ પ્રશસ્થ બનાવ્યો છે. જિલ્લાની શ્રેષ્ઠ શરાફી મંડળીઓના હોદ્દેદારોને પારિતોષિક આપી સન્માનિત કરતાં તેમણે જણાવ્યું કે, ખેડૂતો તેમના ખેતરમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરે છે તેનાથી જમીન બગડે છે. અનાજ પર તેનો છંટકાવ કરતાં ખાદ્ય ખોરાક પણ બગડે છે. ઘાસચારા પર તેનો ઉપયોગ થતાં પશુઓના દૂધમાં પણ યુરીયાના તત્વો આવે છે. આ યુરીયાના હાનિકારક તત્વોથી બચવાં માટે ઇફ્કો દ્વારા નેનો યુરિયા બનાવવામાં આવ્યું છે જે રસ્તું છે અને તેનાથી જમીન પણ ખરાબ થતી નથી ત્યારે વધુને વધુ ખેડૂતો તેનો ઉપયોગ કરે તે સમયની માંગ છે. તેનાથી ખાતર પર આપવી પડતી સબસીટીનું ભારણ પણ સરકાર પર ઓછું થશે.

સહકારી ક્ષેત્ર અને કૃષિ બંન્ને એકબીજાના પૂરક છે ત્યારે ગામડાની નાનામાં નાની સહકારી મંડળીથી માંડીને તાલુકાની સોસાયટી સુધીનું સશક્તિકરણ કરવાની જરૂરીયાત તેમણે વિસ્તૃત રીતે વર્ણવી હતી. શ્રમના મહત્વ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, દિવસે દિવસે શ્રમનું મહત્વ ઘટી રહ્યું છે અને ટેક્નોલોજી તેનું સ્થાન લઇ રહી છે ત્યારે કૃષિ માટે નવા-નવાં બિયારણોનો ઉપયોગ કરીને ખેડૂતોએ વધુ ઉત્પાદન મળે તે તરફ વળવું પડશે.

આ અવસરે ઇફ્કો દિલ્હીના બિનહરીફ ચેરમેન બનવાં બદલ દિલીપ સંઘાણીનું વિવધ સંઘો દ્વારા અભિવાદન કરાયું હતું. રાષ્ટ્રીય સહકારી સંઘના મહિલા વિંગના ભાવનાબેન જાડેજાએ સૌનું સ્વાગત કરીને કાર્યક્રમની ભૂમિકા આપી હતી. આ પ્રસંગે ભાવનગર સહકારી સંઘના ચેરમેન જયવંતસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય સર્વ કનુભાઇ કલસરીયા, દિલીપસિંહ ગોહિલ, નીપાબેન તથા ભાવનગરના વિવિધ સહકારી સંઘોના ચેરમેન, મંત્રીઓ તથા બપાડા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment