હિન્દ ન્યુઝ, રાજપીપલા
કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૧ લી થી તા.૩૧ મી ઓક્ટોબર,૨૦૨૧ દરમિયાન હાથ ધરાયેલા “સ્વચ્છ ભારત-CLEAN INDIA” કાર્યક્રમને અનુલક્ષીને તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત સ્વચ્છ ભારત-CLEAN INDIA” કાર્યક્રમમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, નહેરુ યુવા કેન્દ્રના મુખ્યાલય દિલ્હીના પ્રતિનિધિ અને જનજાતિ કલ્યાણ આશ્રમ, સહમંત્રી ગુજરાત પ્રાંતના ડૉ. પ્રેમપ્યારીબેન તડવી વગેરેની ઉપસ્થિતિમાં આજે કેવડીયા ખાતે આવેલ શૂલપાણેશ્વર મંદિરના પરિસરના આસપાસના વિસ્તાર, ગોરા સ્મશાન ગૃહ-નર્મદા નદી કિનારાનો વિસ્તાર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામેના વિસ્તારમાં આવેલ દુકાનોની આજુબાજુનો વિસ્તાર, કેવડીયા રામચોક વિસ્તાર તેમજ નાંદોદ તાલુકાના રામપરા ગામનું શ્રી રાજા રણછોડરાય દશાઅવતાર ભગવાન મંદિર સંકુલ સહિત અન્ય વિસ્તારોમાં સ્વચ્છતા ડ્રાઈવ દ્વારા કચરો ઉપાડી તેમજ સ્વચ્છ ભારત- સ્વસ્થ ભારતના સૂત્રોચ્ચાર સાથે સ્વચ્છતાનો સંદેશ પુરો પાડયો હતો.
આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશ અને રાજ્યોમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત આજે ગોરા ખાતેના શૂલપાણેશ્વર મંદિર, ગોરા સ્મશાન ગૃહ નદી કિનારાનો વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક એકત્રિકરણની કામગીરી કરીને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા છે. તેની સાથોસાથ દુકાનદારોને પણ દુકાન આગળ સ્વચ્છતા રાખવા અને પ્લાસ્ટિકનો નાશ કરવા અંગે સમજૂત કરાયાં છે.
વધુમાં તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત-CLEAN INDIA” અંતર્ગત દેશને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. જન ભાગીદારી થકી ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સહિત સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાની તેમણે હિમાયત કરી હતી. ગામડાંથી માંડી શહેરો પણ સ્વચ્છ રહેવા જોઇએ તેની સાથોસાથ નર્મદા ડેમના ઉદભવથી લઇને જે વિસ્તારોમાં નર્મદા નદી નિકળે છે તે તમામ વિસ્તાર પણ સ્વચ્છ રાખવા જણાવ્યું હતું.
ઉક્ત કાર્યક્રમ અગાઉ શૂલપાણેશ્વર મંદિર ખાતે સંસદસભ્ય મનસુખભાઈ વસાવા સહિતના અન્ય પદાધિકારીઓ, નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો તેમજ ગોરા એકલવ્ય મોડેલ શાળાના બાળકોએ “ સ્વચ્છ ભારત-CLEAN INDIA ” ના સામૂહિક સ્વચ્છતા શપથ લીધા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ સુપરવાઈઝર અને કાર્યવાહક જિલ્લા યુવા ઓફિસર ચંદ્રકાન્તભાઈ બક્ષી, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, અજીતભાઈ પરીખ, વિક્રાંતભાઇ વસાવા, નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવક, યુવક મંડળ, મહિલા મંડળના સભ્યઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા