હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ , ભાવનગર દ્વારા વર્ષ ૨૦૧૮ માં જુનીયર કલાર્ક (વહીવટ/ હિસાબ) અને તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) ની સીધી ભરતી કરવા અંગે જાહેરાત આપવામાં આવેલ હતી. પંચાયત વિભાગનાં તા.૦૮/૦૭/૨૦૨૧ નાં જાહેરનામોથી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના કાર્યો રદ થયેલ છે. આ જાહેરાતો રદ કરવામાં આવેલ છે. જાહેરાતો રદ થવાને કારણે ભાવનગર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની સંબંધિત જાહેરાતોમાં અરજી કરેલ જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવાની થાય છે.
આથી આ બન્ને જાહેરાતોમાં જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ હોય તેવા ઉમેદવારોને તા.ર૭/૦૯/૨૦૦૧ થી તા.૦૭/૧૦/૨૦૨૧ સુધી (કચેરી કામકાજના કલાકો દરમ્યાન) જિલ્લા પંચાયત કચેરી, ભાવનગરથી પરીક્ષા ફી રોકડમાં પરત કરવામાં આવશે. રૂબરૂમાં પરીક્ષા ફી પરત મેળવવા ઉમેદવારે જાતે પોસ્ટ ઓફીસમાં પરીક્ષા ફી ભર્યા અંગેનું અસલ ચલણ તા.ર૭/૦૯/ર૦ર૧ થી તા.૦૭/૧૦/ર૦૨૧ સુધી (કચેરી કામકાજના કલાકો દરમ્યાન) જિલ્લા પંચાયત કચેરીમાં રજુ કરવાનું રહેશે. રૂબરૂ પરીક્ષા ફી લેવા આવે ત્યારે કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. ઉમેદવાર જાતે રૂબરૂ આવી શકે તેમ ન હોય તો ઉમેદવારે પરીક્ષા ફી પરત મળવા અંગેની અરજીની સાથે પોસ્ટ ઓફીસમાં પરીક્ષા ફી ભર્યા અંગેનું અસલ ચલણ અને ઉમેદવારની બેંક પાસબુક/ચેકની ઝેરોક્ષ સાથે રૂબરૂ કે ટપાલ દ્વારા તા.૦૭/૧૦/ર૦૨૧ સુધીમાં જિલ્લા પંચાયત કચેરીમાં રજુ કર્યેથી પરીક્ષા ફી તેમનાં બેંક એકાઉન્ટમાં સીધી જમા આપવામાં આવશે. એક ઉમેદવારે જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) અને તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) ની બન્ને જાહેરાતમાં અલગ અલગ પરીક્ષા ફી ભરેલી હોય તો તેવાએ એકી સાથે બન્ને પરીક્ષા ફીનાં અસલ ચલણ રજુ કરવાનાં રહેશે. આ જાહેરાત ફકત ભાવનગર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની જાહેરાતમાં પરીક્ષા ફી ભરેલી હોય તેવા ઉમેદવારોને જ લાગુ પડશે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી