હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત રાજયમાં વસતા અનુસુચિત જાતિના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તમામ જિલ્લામાં કરવાનું નક્કી કરેલ છે. તદઅનુસાર રાજયમાં વસતા અનુસુચિત જાતિના ૩૧/૧૨/૨૦૨૧ ને ધ્યાને રાખતા ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાકક્ષાએ (ગ્રામ્ય) અને મહાનગરપાલિકાના તમામ ઝોનકક્ષાએ (શહેર) યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૪ દિવસ માટે ૪૫ યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર માહે-ઓક્ટોબર માસમાં યોજવામાં આવશે. આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજ્જ્ઞો દ્વારા વિવિધ સમાજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મીક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા માત્ર અનુસુચિત જાતિના યુવક યુવતીઓએ ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી મેળવી તા. ૧૫/૧૦/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર કચેરીએ પહોંચતું કરવાનું રહેશે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી