હિન્દ ન્યુઝ, ભાવનગર
આવતીકાલે એટલે કે, ૫ સપ્ટેમ્બરના રોજ આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિવ ડૉ.સર્વપલ્લી રાધાક્રિષ્નનનો જન્મ દિવસ છે. જેને સમગ્ર રાષ્ટ્રમાં “શિક્ષકદિન”તરીકે ઉજવવામાં આવે છે.
તેઓ એક મહાન ફિલોસોફર હોવા સાથે એક શિક્ષક પણ હતાં. તેઓએ એક વખત એવું પણ કહ્યું હતું કે, હું પહેલાં શિક્ષક છું અને પછી રાષ્ટ્રપ્રમુખ છું.
આવી શિક્ષક પ્રત્યેની પ્રીતિ ધરાવનાર વ્યક્તિના જન્મ દિવસને આપણે પ્રતિવર્ષ શિક્ષકદિન તરીકે મનાવીએ છીએ.
શિક્ષણ અને શિક્ષકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આધુનિક યુગમાં શિક્ષણ સિવાય રાષ્ટ્રીય કામગીરીમાં પણ અગ્રેસર રહી ચાણક્યની ભાષામાં ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ની ઉક્તિને સાકાર કરે છે.
ભણતર અને ઘડતર સાથે સામાજિક સેવા અને રાષ્ટ્ર પ્રત્યે બાળકોનું ઘડતર કરતો આજનો શિક્ષક ભલે આપણને સમાન્ય લાગે બાકી તે સતત સમયની સાથે પરિવર્તન સાધી અને સમાજના પુનરૂથાન માટે સતત પ્રયત્નશીલ છે.
આજે આપણે શિક્ષણવિદ ” દર્શકની કર્મભૂમિ” એવા માઇધાર ગામના અને ૧૭ વર્ષથી પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી નાથાભાઇ ચાવડા પોતાના નાવિન્યપૂર્ણ શિક્ષણના સંશોધનો બદલ વડાપ્રધાનથી માંડી મુખ્યમંત્રીના પ્રશંસાપત્રો મેળવી ચૂક્યાં છે.
આ શિક્ષક સમય દાન સાથે પોતાની શાળાના વિકાસમાં સતત પ્રયત્નશીલ છે.એટલું જ નહીં પછાત વિસ્તારમાં આવેલી આ સરકારી શાળાના બાળકો માટે અથાક પ્રયત્નો સાથે અવનવા શૈક્ષણિક ઇનોવેશનો દ્વારા બાળકોમાં રસ રુચિ વધે તે માટે નવતર પ્રયોગો પોતાના આર્થિક યોગદાન દ્વારા કરે છે.
આ શિક્ષકે પોતાના પગારમાંથી બાળકો અને શાળાને આર્થિક રીતે ઉપયોગી થાય છે.પોતાને મળતી રજાનો ઉપયોગ પણ શાળામાં બાગ બગીચા માટે તેમજ ભૌતિક વિકાસ માટે યોગદાન આપે છે.
આ શિક્ષક તેમને મળતું મેડિકલ ભથ્થું પણ જરૂરિયાતમંદ બાળકોને અર્પણ કરે છે .આમ, આ શિક્ષકે સમાજ સેવાની મશાલ પ્રજ્વલિત કરી છે.
વ્યસન મુક્તિ હોય કે કોરોના માટે ઉકાળા કેન્દ્ર હોય કે કોઈપણ સામાજિક સંસ્થાની હાકલ પડે તો પહેલાં હાજર હોય.
ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પણ કચ્છ માં ૨૦ દિવસ પોતાની સેવા આપેલી.
પાલીતાણા જેલમાં પણ એક વર્ષ કેદી સુધારણા અંતર્ગત દર રવિવારે એક કલાકનો સમય આપે છે.
શ્રી નાથાભાઇની શાળાને ઇનોવેશન ફેરમાં રાજ્ય કક્ષા અને વિજ્ઞાન ફેરમાં રાજ્ય કક્ષાએ સિદ્ધિ અપાવી તેમને સાંદિપની સન્માન અને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.
હાલમાં પણ તેઓ તેઓને મળેલ સમય, શક્તિ અને નાણાંનો ઉપયોગ વિદ્યાર્થી, શાળાના વિકાસ માટે ખર્ચે છે.તેઓ ખરા અર્થમાં શિક્ષકની ભૂમિકા ચરિતાર્થ કરતાં જેલના કેદીઓ માટે પણ સમય ફાળવી તેમના ઉત્થાન માટે પણ કાર્યરત છે.
આવાં કર્મઠ શિક્ષકોના શાળા -રાષ્ટ્રના ઉત્થાન માટેના કાર્યોની કદર એ જ સાચા શિક્ષકદિનની ઉજવણી હોઈ શકે… આવાં શિક્ષકોના સ્વાર્થવિહીન કાર્યોને કારણે જ શિક્ષણ એ પવિત્ર વ્યવસાય બની રહ્યો છે.
આવાં શિક્ષકોનું તર્પણ અને સમર્પણ વિદ્યાર્થીઓમાં વિદ્યા રૂપે સર્વદા ખીલતું રહે તે જ આજના દિવસની પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનને શિક્ષકદિનની સાચી અંજલિ છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી