હિન્દ ન્યુઝ, જૂનાગઢ
તા.૧૯ રાજ્યના કાયદા અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન શ્રી બ્રમ્હાનંદ વિદ્યાધામ ચાંપરડાની શુભેચ્છા મુલાકાત, નર્સીંગ સ્ટાફ ક્વાર્ટર બીલ્ડીંગનું લોકાર્પણ, ચાંપરડા પોલીસ ચાકીનું ખાતમુહુર્ત તેમજ યજ્ઞમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ૧૯મી સદી બાહુબળની હતી, ૨૦મી સદી મૂડીની હતી. જ્યારે ૨૧મી સદી શિક્ષણની છે. જેની પાસે શિક્ષણ છે તે જગત પર રાજ કરશે. ત્યારે ચાંપરડા સ્થિત શ્રી બ્રમ્હાનંદ વિદ્યાધામમાં થતી શિક્ષણ, આરોગ્ય અને સેવાકીય પ્રવૃતિઓને ગૃહમંત્રીએ બીરદાવી હતી. તેમણે આ તકે મુક્તાનંદબાપુની સેવાકીય કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, બાપુ નોધારાના આધાર છે. તેમણે સમાજ જીવનની વ્યથાને સારી અવસ્થામાં પરિવર્તન કરવામાં જીવન વ્યતીત કર્યું છે. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મંત્રીએ બ્રમ્હાનંદ વિદ્યાધામમાં થતી વિવિધ સેવાકીય કામગીરીથી વાકેફ થયા હતા.તેમજ કોરોના મહામારીમાં બ્રમ્હાનંદ વિદ્યાધામમાં થયેલ લોકોની સેવાસુશ્રુષા ની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મુક્તાનંદબાપુએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સંનીષ્ઠ પ્રયાસોથી લોકો સુખ શાંતીથી રહે છે. સામાન્ય નાગરિક સુરક્ષિત છે. આ તકે તેમણે કોરોનાકાળમાં સરકારની કામગીરી અને જૂનાગઢ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે પોલીસ વિભાગની કામગીરી નોંધનીય છે એમ જણાવ્યું હતું. આ તકે જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ અને માયાભાઇ આહિરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.કાર્યક્રમના પ્રારંભે ચાંપરડા આશ્રમના શર્માએ સ્વાગત પ્રવચન, સંસ્થાના અધ્યક્ષ રાઠોડે શ્રી બ્રમ્હાનંદ વિદ્યાધામની સ્થાપના તેમજ શિક્ષણ – આરોગ્ય વિષયે થતી કામગીરીનો પરીચય આપ્યો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સંસ્થાની મુલાકાત બાદ પંટાગણમાં વૃક્ષારોપણ, જય અંબે હોસ્પિટલ ખાતે નર્સીંગ સ્ટાફ ક્વાર્ટર બીલ્ડીંગનું લોકાર્પણ, ચાંપરડા પોલીસ ચોકીનું ખાતમુહુર્ત ગૃહમંત્રીશ્રીના હસ્તે યોજાયું હતું. તેમજ જય અંબે હોસ્પિટલ ખાતે કોરોના વોરિયરનું કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કર્યું હતું.બ્રમ્હાનંદ વિદ્યાધામ ખાતે યોજાયેલ યજ્ઞમાં ગૃહમંત્રી અને તેમના ધર્મપત્ની સહભાગી થયા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય વિજય બાપુ, પૂજ્ય વલકુબાપુ, રેન્જ આઇજી મનીંદર પવાર, એસપી રવીતેજા વાસમ શેટ્ટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.