યાત્રાધામ અંબાજીમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદ (સદાવ્રત) શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય સદાવ્રતનું સંચાલન જય જલિયાણ ફાઉન્ડેશન કરશે

હિન્દ ન્યૂઝ, અંબાજી

                  કલેકટર આનંદ પટેલના નિર્ણયથી અંબાજીમાં અંબિકા ભોજનાલય ખાતે તા.૧૪ જૂન-૨૦૨૧થી માઈભક્તો માટે ભોજન પ્રસાદનું સદાવ્રત શરૂ થશે. પરમ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બિંદુ તથા શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેદી સંગમ સમાન શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અરવલ્લીની ગીરીમાળામાં બિરાજમાન શક્તિ સ્વરૂપા માં જગદંબાના દર્શને વર્ષમાં અંદાજિત ૧ કરોડ જેટલાં દર્શનાર્થીઓ માં અંબેના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવે છે. હાલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા અંબિકા ભોજનાલયનું સંચાલન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૭.૧૨ લાખ, વર્ષ ૨૦૧૮-૧૯ માં ૧૯.૮૩ લાખ તથા વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૯.૧૭ લાખ યાત્રાળુઓએ અંબિકા ભોજનાલયમાં ભોજનનો લાભ લીધો છે. અંબાજી ખાતે આવતા યાત્રાળુઓની સુવિધા તથા સુખાકારી માટે રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે તેમજ દર્શનાર્થે આવનાર યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવા કટીબધ્ધ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓ માટે ઉત્તમ સુવિધાઓ આપવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અંબિકા ભોજનાલય અંબાજી ખાતે તા.૧૪/૦૬/૨૦૨૧ થી વિનામૂલ્યે ભોજન (સદાવ્રત) શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવે છે કે, માં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ શ્રી અંબિકા ભોજનાલય ખાતે સવારે-૧૦.૦૦ થી ૩.૩૦ તથા સાંજે ૬.૦૦ થી ૧૦.૦૦ સુધી વિનામૂલ્યે ભોજન (સદાવ્રત)નો લાભ લઈ શકશે. સવારે-૧૦.૦૦ થી ૩.૩૦ સુધી રોટલી/પૂરી, શાક, બુંદી, દાળ-ભાત, ગાંઠિયા, પાપડ અને સાંજે- ૬.૦૦ થી ૧૦.૦૦ સુધી ભાખરી, શાક, ખીચડી, કઢી, પાપડનું વિનામૂલ્યે ભોજન મા અંબાના પ્રસાદરૂપે આપવામાં આવશે. આ સદાવ્રતની સેવા જય જલિયાણ ફાઉન્ડેશન સંચાલિત જલિયાણ સદાવ્રત દ્વારા કરવામાં આવશે. તા. ૧૪ જૂન-૨૦૨૧થી પ્રાયોગિક ધોરણે ૩ માસ સુધી અંબિકા ભોજનાલય ખાતે સદાવ્રત શરૂ કરવામાં આવશે. આ સંપૂર્ણ વ્યવસ્થા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલની આગેવાની હેઠળ સંચાલન કરવામાં આવશે. શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થનાર આ સદાવ્રતમાં આપણે સૌ સહભાગી થઈએ તથા હિન્દુ સંસ્કૃતિના ધામ તરીકે અંબાજીને વિકસાવવાના આ ઐતિહાસિક નિર્ણયના સાક્ષી બની વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરીએ તેમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, અંબાજી

Related posts

Leave a Comment