હિન્દ ન્યૂઝ, ભાવનગર
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકામાં તાઉ’ તે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ જઇ વિજ પુરવઠો પુનઃ સ્થાપિત સાબિત થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતુ. મંત્રીએ સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિજ પુરવઠો ઝડપથી પુનઃ કાર્યાન્વિત કરવા અંગેની સમીક્ષા બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તાઉ’ તે વાવાઝોડાના કારણે વિજ વાયર, સબ સ્ટેશન અને થાંભલાઓને થયેલ નુકસાનનો સર્વે કરી ઝડપથી કામગીરી થઇ શકે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વાવાઝોડાના કારણે થયેલ નુકસાનના સર્વેની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે. આ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઇ નુકસાના પ્રમાણને ધ્યાને લઇ ઝડપથી ટાવર ઉભા કરવા તેમજ ટાવરો- સબ સ્ટેશન ઉભા કરવામાં આવી રહ્યા છે. તેના દ્વારા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને પણ વીજ પુરવઠો મળી શકશે. સમીક્ષા બેઠકમાં વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને સ્ટાફના સંકલનથી જે- તે ફિડરમાં વીજ પુનઃ સ્થાપિત કરવા સાથ સહકાર આપવા માટે મંત્રીએ અપીલ કરી હતી.
મંત્રીએ સૌને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી કે જેથી ઝડપથી વિજ કનેકશન આપી વીજળી પહોંચાડી શકાય. આગામી વર્ષાઋતુની સિઝનના નજીકમાં છે ત્યારે ખેડૂતોને પણ ઝડપથી વીજ પુરવઠો મળે તે માટે રાત- દિવસ કાર્ય કરીને વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવી રહ્યો છે. આ માટે ભાવનગર જિલ્લા સિવાયની ટીમ પણ બોલાવીને કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ બેઠકમાં મહુવા ધારાસભ્ય આર.સી.મકવાણા, ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકરણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, ચેરમેન, માર્કેટીંગ યાર્ડ મહુવા, પ્રાંત અધિકારી, તળાજા, પી.જી.વી.સી.એલ. વિભાગના અધિકારી-કર્મચારીઓ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો જોડાયાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી