સ્વામિનારાયણ મંદિરમાં વર્ચ્યુઅલ કોવિડ પેશન્ટ્સ સહાનુભૂતિ સમારોહ યોજાયો

હિન્દ ન્યૂઝ, વડતાલ

કોરોના મહામારીમાં દર્દીઓને સહયોગ અને હૂંફ-બળ આપવા માટે શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી વર્ચુઅલ કોવિડ પેશન્ટ્સ સહાનુભૂતિ સમારોહ – ૨ નું આયોજન તા.૨૧/૫/૨૦૨૧ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય ડો.સંતવલ્લભદાસજી સ્વામી, નાર ગોકુલમ્ ના સ્થાપક પૂજ્ય શુકદેવપ્રસાદ સ્વામી વગેરે સંતો તથા મુખ્ય અતિથી રૂપે કેન્દ્ર સરકારના માનનીય કેબીનેટ મંત્રી નીતિન ગડકરીજી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીજીએ સ્વામિનારાયણ સંપ્રદાયની વિભિન્ન ૪૫ ઉપરાંત સંસ્થાઓ દ્વારા આચાર્ય તથા સંતોની પ્રેરણાથી કોરોના કાળમાં ચાલુ રાહત કાર્યનું વર્ચ્યુઅલ અવલોકન કરી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ભવિષ્ય માટે ઉચિત માર્ગદર્શન આપ્યું હતું.
    વિશેષમાં  નિતિન ગડકરીજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના રાહત કર્યોને બિરદાવતા કહ્યું કે આ એક વૈશ્વિક સંકટ છે. સકારાત્મકતા અને આત્મવિશ્વાસ, આ બે આયુધોથી તથા આ બધા સંતોના આશીર્વાદ અને સંસ્થાઓના સહકારથી આપણે આ લડાઈને અવશ્ય જીતીશું. વસુધૈવ કુટુમ્બકમ્ ની આપણી સંસ્કૃતી છે એટલે આપણે એક થઇને પરસ્પર સેવામાં લાગીશું તો ચોક્કસ આ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. ગડકરીજીએ પ્રસન્નતા દાખવી કે કોરોના કાળ દરમ્યાન સ્વામિનારાયણ સંપ્રદાયે મંદિરો, ગુરુકુળો અને અનેક સંસ્થાઓને દવાખાનાઓમાં બદલીને સમાજમાં એક આદર્શ પૂરો પાડ્યો છે. શિક્ષા, સ્વાસ્થ્ય અને સેવા – ભાવનાના વિકાસથી જ કોઈ પણ દેશનો વિકાસ થાય છે અને શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય આ ત્રણેમાં કાર્યરત છે.
   ગડકરીએ કહ્યું કે આ બીમારીમાં ઓક્સીજનની સખત જરૂર પડે છે. ઓક્સીજનના મશીનો ફ્રાંસ અને જર્મનીથી આવે છે જે ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યમીઓને મારી વિનંતિ છે કે અહીં બનાવવાનો પ્રયાસ કરે. આખા દેશમાં દવાનું ઉત્પાદન ગુજરાતમાં વધુ થાય છે તો ગુજરાતના ઉદ્યમીઓને આવાહન છે કે કોરોનામાં લગતા રેમડેસીવિયર અને બ્લેક ફંગસની દવાની શોધ થાય અને આ દવાઓ દેશમાં ઓછી કીંમતે પૂરતી માત્રામાં નિર્માણ કરાય.
   ગડકરીજીએ સંતોને પ્રાર્થના કરી કે આ બીમારીથી ઘણા બાળકો અનાથ થયા છે, દિવ્યાંગ થયા છે, આર્થિક રૂપથી કમજોર થયા છે તો સંતો સમાજને પ્રેરણા કરે કે સમાજ આ લોકોને સહાય રૂપ થાય તો બહુ મોટું કાર્ય થશે. ધર્મ અને સમાજના સંયોગથી શિક્ષા અને સ્વાસ્થ્યમાં વિકાસ કરી આપણે નક્કી આત્મનિર્ભર ભારત બનશું. એમણે વક્તવ્ય સમાપ્ત કરતા કહ્યું કે કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી ઔર હમ હોંગે કામયાબ,
પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ આખા ધર્મ સમાજને એક થઇ આ કાળમાં બને એટલી સેવા કરવાનું આવાહન કર્યું અને કહ્યું કે આવા કાળમાં સ્વામિનારાયણ ભગવાને એમના આશ્રીતોને જીવનપર્યંત દીન – દુ:ખી અને રોગીઓની સેવા કરવા અને દયાભાવ રાખવા માટે આદેશ કર્યો છે. આ મદદ વાત્સલ્યભાવથી કરવી જોઈએ કેમ કે કર્તા ભાવ રાખી મદદ કરવાથી અભિમાન આવે છે. પૂજ્ય સ્વામીજીએ જન સમાજને આશ્વાસન આપ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય આ આપદામાં સહાય રૂપ થઇ રહ્યો છે અને થતો રહેશે. આવા સમયમાં આપણા ધૈર્ય, કાર્યક્ષમતા અને સામર્થ્યની પરીક્ષા થાય છે. માટે સૌએ ધીરજ રાખવી હિમ્મત ન હારવી ભગવાન અને સંતો આપણી સાથે છે માટે બળમાં રહેવું. પૂજ્ય સ્વામીએ કોરોનાથી દિવંગત થયેલા લોકોને સદ્ગતી મળે અને એમના પરિવારનું ભલું થાય તે માટે પણ આ પ્રસંગે પ્રભુને પ્રાર્થના કરી. ઉપસ્થિત વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામીએ સભામાં લોકોને જણાવ્યું કે હોસ્પિટલોનો ભાર ઓછો કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા મંદિરો અને સંસ્થાઓએ પોતાના મંદિરો, ધર્મશાળા, આશ્રમો લોકહિત માટે કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરી દીધા છે. વળી આ કોરોના કાળ દરમ્યાન આવેલા તૌકતે વાવાઝોડામાં રાહત કાર્ય દ્વારા મંદિરોએ હજારો ફૂડ પેકેટ બનાવી જરૂરિયાતમંદ લોકોને ગામડે ગામડે પહોંચતા કર્યા હતા.
વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે આ કપરા કાળમાં આખા દેશના સંત સમાજનું કર્તવ્ય છે કે લોકોના મનોબળને વધારવું. એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાય અનેક કોવીડ કેર સેન્ટરોનું સંચાલન કરે છે અને સંતો રૂબરુ તથા વર્ચુઅલી દર્દીઓની મુલાકાત લઇને સારવાર કરે – કરાવે છે. મંદિર અને સંસ્થાઓ દ્વારા અનેક ઓક્સીજન કોન્સન્ટ્રેટર અને વેન્ટીલેટર આપવામાં આવ્યા છે. આ મંદિરોમાં સંતોની સેવા અને સતત દેખરેખથી દર્દીઓને વિશ્વાસ આવે છે કે અમે એકલા નથી અને ભગવાન ને સંતો અમારી સાથે છે. જેથી જલ્દી સ્વસ્થ થાય છે.
   આ કાર્યક્રમમાં નાર ગોકુલમ્ ગુરુકુલના સ્થાપક પૂજ્ય શુકદેવપ્રસાદ સ્વામીએ પણ જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ ૧૭૦૦ જેટલા સંતો આઇસોલેશન સેન્ટર અને ટીફીન સેન્ટર વગેરે સેવાઓ દ્વારા સરકારની સાથે ખભે ખભો મેળાવી જનસેવામાં લાગ્યા છે. આ સમયમાં માનસિક સાંત્વનાની બહુ જ જરુરિયાત છે કેમ કે ડીપ્રેશનથી રોગ પ્રતિકારક શક્તિ વિક્ષીણ થાય છે એટલે સંપ્રદાયમાં સંતો દ્વારા વિભિન્ન સેવા અને સત્સંગ પ્રકલ્પોથી લોકોનું મનોબળ વધારવામાં આવે છે.
આ સહાનુભુતિ સમારોહ ઈન્ટરનેટ ઉપર યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર હેન્ડલ દ્વારા વિશ્વમાં અને ટીવી ચેનલ ઉપર મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે બીજા અનેક રાજ્યોમાં લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં વર્ચ્યુઅલી લાખો લોકો જોડાયા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment