‘અવસર’ લોકશાહીનોઃ પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન

હિન્દ ન્યુઝ, રાધનપુર

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની તારીખો જાહેર થતા જ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી તેજ બની છે. પાટણ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે અવસર કેમ્પેઈન અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે પાટણ જિલ્લામાં સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતુ.

લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો અચુક મતદાન કરે તે માટે પાટણમાં જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ છે. મતદાન વધુ થાય તે માટે વિવિધ માધ્યમો દ્વારા હાલમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં હાલમાં ઓછું મતદાન ધરાવતા વિધાનસભા મતદાર વિભાગ દિઠ-11 મતદાન મથક મુજબ પાટણ જિલ્લાના કુલ-43 મતદાન મથકોની જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુલાકાત કરવામાં આવી છે. તેમજ મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લાનાં પાટણ શહેર, રાધનપુર, સમી, વગેરે જેવા અન્ય શહેરી વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે વિવિધ સ્થળોએ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાટણવાસીઓ ઉત્સાહભેર જોડાઈને અવશ્ય મતદાન કરવાનાં સંકલ્પ સાથે હસ્તાક્ષર કર્યા હતા. જિલ્લામાં અત્યારસુધી કુલ 13 અલગ-અલગ સ્થળોએ સહી ઝુંબેશના કાર્યક્રમો થઈ ચુક્યા છે, જેમાં કુલ 1527 જેટલા મતદારોએ લાભ લીધો છે.

જિલ્લાના શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ ઘરે-ઘરે જઈને શિક્ષકો દ્વારા લોકોને મતદાન અંગે જાગૃત કરવા માટે સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારના લોકો મતદાનનું મહત્વ સમજીને લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ છે. ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારોમાં ઓછુ મતદાન થયું હોય અથવા ઓછું મતદાન થવાની સંભાવના હોય તેવા વિસ્તારોમાં ‘’હું મતદાન કરીશ’’, ‘’મતદાન કરવું એ મારી ફરજ છે’’ વગેરે જેવા સ્લોગન સાથે સહી ઝુંબેશ ચલાવીને લોકોને જાગૃત કરવામાં આવ્યા. જેના કારણે ગામડાઓના લોકો અવસર કેમ્પેઈન અંતર્ગત જોડાઈ રહ્યા છે. પાટણ જિલ્લાના ગામે-ગામ અવસર કેમ્પેઈન અંતર્ગત લોકોને સમજણ આપી વધુ મતદાન માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

અવસર કેમ્પેઇનની ટેગ લાઈન,”અવસર લોકશાહીનો”. આ ટેગલાઈનને સાચા અર્થમાં સાર્થક કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે. અવસર કેમ્પેઈન અંતર્ગત પાટણમાં જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિતસિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર અને નોડલ ઓફિસર પ્રદિપસિંહ રાઠોડ તેમજ નાયબ માહિતી નિયામક વ નોડલ ઓફિસર કુલદીપ પરમાર મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ કરી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment