હિન્દ ન્યૂઝ, ભાવનગર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ’ તે વાવાઝોડાને પરિણામે ઉભી થયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામો-વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી મેળવવા અને ગ્રામીણ નાગરિકોની વિપદામાં સહભાગી થવા મહુવા તાલુકાના પઢિયારકા ગામે પહોચ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી હવાઇ માર્ગે મહુવાના પઢિયારકા ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ’ તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિ અને નુકશાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું.
વિજયભાઇ રૂપાણીએ મહુવાના પઢિયારકા ગામે આ વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકશાનનો કયાસ કાઢવા ગ્રામજનો સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો. તેમણે પઢિયારકાના સરપંચ રેખાબેન બારૈયા અને ગ્રામજનો પાસેથી આ વાવાઝોડાએ સર્જેલી તારાજીની આપવિતી સંવેદનાપૂર્વક સાંભળીને આ વિપદામાં રાજ્ય સરકાર ગ્રામજનોની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરી પણ આ વેળાએ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રીએ ખેતી-બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલા વ્યાપક નુકશાન અંગે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરીને નિયમાનુસારની રાહત ગ્રામજનોને આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
વિજયભાઇ રૂપાણીએ પઢિયારકા ગામમાં તાઉ’ તે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યા બાદ મહુવા પ્રાંત અધિકારીની કચેરીમાં જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં કહ્યું કે, વાવાઝોડાથી પ્રભાવિત થયેલા મહુવા સહિતના દરિયાઇ પટ્ટીના તાલુકાઓને યુદ્ધના ધોરણે ફરી બેઠા કરી પૂર્વવત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ વીજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના પુરવઠાને અસર પહોચી છે તે તત્કાલ નિવારીને આ પુરવઠો સમયમર્યાદામાં પૂર્વવત કરી દેવા સુચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વાવાઝોડાના સંદર્ભમાં ખેતી, બાગાયતી પાકોને થયેલા નુકસાન નો સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે ના આધારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
આ સિવાય વાવાઝોડાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત એવા ઉના, જાફરાબાદ, રાજુલા અને મહુવા તાલુકામાં ઝડપથી સર્વે કરી ઘરવખરી, કેશ ડોલ્સ ની ચુકવણી કરવામાં આવી રહી છે. તેમને વધુમાં ઉમેર્યું કે ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વીજ પુરવઠો ઝડપથી પુનઃ સ્થાપિત કરવા માટે રાજ્યની તમામ વીજ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ યુદ્ધ ના ધોરણે કામગીરી કરી રહ્યા છે. જેથી આગામી બે થી ત્રણ દિવસમાં તમામ ગામોમાં વીજ પુરવઠો શરૂ થઈ જશે. મહુવામાં આજ રાત સુધીમાં જ વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે.
મુખ્યમંત્રી એ જણાવ્યું કે મહુવા તાલુકામાં મહત્તમ ડુંગળીનું ઉત્પાદન થાય છે, ત્યારે ડુંગળીનો બગાડ એટલે તે માટે ડુંગળીના ડી હાઇદ્રેશન પ્લાન્ટમાં વીજ પુરવઠો તાકીદે શરૂ કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ ગરીબ વર્ગના લોકો સહિતના લોકોના મકાનોને થયેલા નુકશાનનો સર્વે હકારાત્મક વલણ સાથે કરવા તેમજ મહુવા નગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક સાફ સફાઇ કરવા, રોડ પર વૃક્ષો પડવાથી ઊભી થયેલી આડશ દૂર કરવા તેમજ અન્ય રિસ્ટોરેશન કામગીરી માટે વધારાનો મેન પાવર અન્ય તાલુકા-જિલ્લામાંથી બોલાવી કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાનાં ગામોમાં વાવાઝોડાને લીધે પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરવા અને જ્યાં વીજ પુરવઠો નથી તેવા વિસ્તારોમાં ડી.જી.સેટ લગાવી પાણી પુરવઠો શરૂ કરવા સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી સુ. વિભાવારી બેન દવે, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યો સર્વ આર.સી.મકવાણા,નારણભાઈ કાછડીયા, જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, મંત્રી રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરોચીફ (ભાવનગર ) : હકીમ ઝવેરી