કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને નાંદોદ તાલુકાના રામપરા (માંગરોલ) ગામથી શહેરાવ નર્મદા કિનારા સુધી યોજાતી “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા” ચાલુ વર્ષે જાહેરહિતમાં મોકૂફ

હિન્દ ન્યૂઝ, રાજપીપળા

    કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. કોવિડ-૧૯ ના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. નર્મદા જિલ્લામાં દર વર્ષે ફાગણ વદ અમાસથી નાંદોદ તાલુકાના રામપરા (માંગરોલ) ગામથી શહેરાવ નર્મદા કિનારા સુધી “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા” શરૂ થાય છે અને ચૈત્ર વદ અમાસના રોજ પરિક્રમાની પૂર્ણાહુતિ થાય છે. “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા” માં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાતા હોય છે. અન્ય પડોશના રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેમાંથી પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આ પરિક્રમામાં ભાગ લે છે. જુદા જુદા આશ્રમો, સેવાભાવી સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા પરિક્રમાના માર્ગ ઉપર યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ આપવામાં આવતી હોય છે. આ સ્થળો પર પણ લોકોના એકત્રિત થવાના કારણે કોરોના વાયરસનો ફેલાવો વધવાની શક્યતા રહેલી હોય છે.

    નર્મદા જિલ્લામાં કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિ જોતાં તથા કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા”ના આયોજનને ચાલુ વર્ષે જાહેરહિતમાં મોકૂફ રાખવા નિર્ણય લેવાયેલ છે. જેથી યાત્રાળુઓને આ પરિક્રમામાં ભાગ નહીં લેવા જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા ,નર્મદા

Related posts

Leave a Comment