હિન્દ ન્યૂઝ, લાખણી
બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વાવ થરાદ પંથકનાં ખેડુતોએ સિંચાઇ માટે પાણીના ધાંધીયા વચ્ચે રાતદિવસ મહેનત કરીને મહામુલો રવિપાક તૈયાર કર્યો હતો. પરંતુ છેલ્લે છેલ્લે જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતાં કેટલાક ખેડુતોનો શિયાળુ પાક નિષ્ફળતાના આરે આવતાં ધરતીપુત્ર હતાશા તરફ ધકેલાઇ રહ્યો છે. જેની વચ્ચે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાવના બુકણા ગામનાં ખેડુત મણવર ભાણાભાઈ નાં ખેતરમાં ઉભેલાં જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતાં જીરાના પાકની કાપણી કરી હોળી કરાઇ હોવાની ઘટના સામે આવી હતી.
પાકમાં રોગ આવતાં કંટાળેલા ખેડૂતે પાકમાં બગાડ આવતા થયેલ મોટા નુકસાનથી ત્રાહિમામ ખેડૂતે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ગત વર્ષે લોકડાઉનથી અને આ વખતે પાકમાં રોગથી નુકસાન થતાં આવક નહિ થવાના અભાવે ગરીબ ખેડૂતોની હાલત કફોડી બનવા પામી હતી. ખેડૂતને આખા વર્ષેની સંપૂર્ણ આવક નાશ થતાં પરીવારનું ભરણપોષણ પણ મુશ્કેલ બનતાં અને પોતાના જ ખેતરમાં પાકને આગ લગાવતાં ખેડૂત ગળગળો બની ગયો હતો.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી