હિન્દ ન્યૂઝ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર ડુંગરી” ખાતેથી સાંસદસભ્ય દીપસિંહ રાઠોડના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાને ખુલ્લી મુકવામાં આવી હતી. જેનાથી માલપુરના ૧૭ ગામના ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે. સાંસદસભ્ય દીપસિંહ રાઠોડે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનાં શુભારંભ નિમિતે જણાવ્યું કે, આપણાં ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો વસવાટ કરે છે. ગુજરાત એ ખેડૂતોની ભૂમિ કહેવાય છે. વડાપ્રધાન એ ૨૪ ઑક્ટોમ્બરના રોજ ઇ-લોકાર્પણ કરીને કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો હતો. તેમણે નિર્ણય કર્યો હતો કે લોકોને દિવસે વીજળી આપવી છે. તે કામને તેમણે સભર કરી બતાવ્યું છે. લોકો ને હવે ૨૪ કલાક વીજળી મળશે. વડાપ્રધાન ભારતને ગુજરાત જેવુ બનાવા જઇ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી મુખ્યમંત્રીએ કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી. જેનાથી સમગ્ર અરવલ્લી જિલ્લાને હવે દિવસે વીજળી મળશે. અરવલ્લીના માલપુરના ૧૭ ગામને દિવસે વીજળીનો લાભ મળશે.
દીપસિંહ રાઠોડે વધુમાં જણાવ્યું કે, ૨૦૨૨ના અંત સુધીમાં દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી રહે માટે યુ.જી.વી.સી.એલ. ના દરેક કર્મચારીઓ ખડેપગે ઊભા રહીને આ કામને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેના કામમાં લાગી ગયા છે. દિવસે વીજળી મળી રહે તે માટે બૃહદ સાબરકાંઠા જિલ્લાના લોકોએ આંદોલનો પણ કર્યા હતા. આજે આપણે સફળતાના આરે જઈ રહ્યા છીએ. ભૂતકાળ કરતાં અત્યારના ગુજરાતમાં ઘણા કામો પૂરા થઈ રહ્યા છે. ગુજરાતને દરેક ક્ષેત્રે સફળતા મળી રહી છે. ખેડૂતો મજબૂત, આત્મનિર્ભર અને દરેક ક્ષેત્રે પ્રગતિશીલ બને.
અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સરકારે ખેડૂતોને લાભ થાય માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાંથી જ્યોતિગ્રામ યોજના એ સાક્ષી છે. સરકારના લીધે જ્યોતિગ્રામ યોજના થકી લોકોને ૨૪ કલાક વીજળી મળી છે. તેમ આ બીજી કિસાન સૂર્યોદય યોજનાથી પણ ખેડૂતોને દિવસે વીજળી મળી રહેશે. આ સરકાર એ ખેડૂતોની સરકાર છે. જે ખેડૂતોના હિત માટે હમેશાં આગળ રહી છે. માલપુરના ૧૪૦૮ ખેડૂતોને હવે દિવસે મળી રહેશે.
આ પ્રસંગે બાયડના પ્રાંત અધિકારી બારોટ, નાયબ કલેકટર દાવેરા, માલપુરના મામલતદાર ચૌધરી, મેઘરજના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભીખીબેન પરમાર, કિસાન આગેવાન વાલાભાઈ, અધિક્ષક ઇજનેર પી.સી.શાહ, તાલુકા અને જિલ્લાના સદસ્યો, યુ.જી.વી.સી.એલ. ના અધિકારી કર્મચારીઓ, જેટકોના અધિકારી સલીમ સુથાર અને ખેડૂતો સહિત સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાન માં રાખી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા