શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ રાહ ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, થરાદ

અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કાર્ય આરંભી દેવાયું હોઈ ભગવાન શ્રીરામના ભક્તો મંદિર બનાવવાના સ્વપ્ન સાથે પૂરજોશમાં કામગીરી આરંભી દેવામાં આવી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાહ ગામ ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ અંતર્ગત કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. થરાદના રાહ ખાતે તારીખ ૯/૧/૨૦૨૧ ના રોજ સવારના ૧૧ વાગ્યે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં સૌપ્રથમ બાઈક રેલી બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમમાં શુભારંભ થયો હોઈ ચાંગડાથી ગોવિંદભારથી ગોસ્વામી, લખાપુરાથી દયાળપુરી ગોસ્વામી, કારસેવક દેલનકોટથી થાનાભાઈ રામદાનજી પટેલ સહિત બહોળી સંખ્યામાં શ્રીરામ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ અર્થે ફંડમાં દાતાઓએ પોતાના દાનની સરવાણીનો ધોધ વહેવડાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

જેમાં વેલાભાઈ ચમનાભાઈ પટેલ સરપંચ ભલાસરા તરફથી ૨૧૦૦૦ રૂપિયા, શિવરામભાઈ જીવાભાઈ પટેલ ખેંગારપુરા તરફથી ૧૧૦૦૦ રૂપિયા, ગજાભાઈ હેમાભાઈ ચૌધરી ખેંગારપુરા તરફથી ૧૧૦૦૦ રૂપિયા, ઠાકરશીભાઈ કાળાભાઈ રબારી (દ્વારકાધીશ પશુ આહાર) તરફથી ૧૧૦૦૦ રૂપિયા, ભાણાભાઇ નાગજીભાઈ ચૌધરી ઘાંણા તરફથી ૧૧૦૦૦ રૂપિયા, જીતેન્દ્રભાઈ ભગાજી વાઘેલા ઘાંણા તરફથી ૧૧૦૦૦ રૂપિયા તથા ૨૫ રામભક્તો તરફથી ૫૧૦૦ રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા ૨ લાખ ૩ હજાર પાંચસો (૨,૦૩,૫૦૦) નો સંકલ્પ લીધો હતો. આ અભિયાન ૧૪ જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી અકબંધ રહેશે જે જન્મભૂમિ નિર્માણ ફંડ એકત્રીકરણમાં ઉપયોગી નિવડશે.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment