ઠાસરામાં ટેણિયાઓનો તરખાટ ગ્રાહકની નજર ચૂકવી બે કિશોરોએ 4 લાખ રોકડ રૂપિયાની ચીલઝડપ કરી ભાગી જતા ચકચાર…

હિન્દ ન્યુઝ, ખેડા

ખેડા જિલ્લાના ઠાસરાના બજારના ભરચક વિસ્તારમાં આવેલ એક દુકાનમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકની નજર ચૂકવી બે કિશોરોએ મોટી રકમની ચીલઝડપ કરી ભાગી જતા ચકચાર મચી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઠાસરા પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી ફૂટેજ મેળવી ચોર કિશોરોની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે. ઠાસરા પોલીસને દોડતી કરતી વર્ષની આ સૌથી મોટી ચોરીની ઘટના છે. આ ઘટનાને પગલે ઠાસરા નગરના વ્યાપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. ઠાસરા પાસેના જ વાડદ ગામના કોહ્યાભાઈ મંગળભાઈ સેનવાને ત્યાં મકાન નું કામકાજ ચાલતું હોવાથી ઠાસરા એસબીઆઈ બેન્કમાંથી 4 લાખની રોકડ રકમ ઉપાડી હતી.

બેંકનું કામ પતાવી કોહ્યા સેનવા 2 થી 2.30 કલાકની આસપાસ ઠાસરા ટાવર પાસે આવેલ હરેશ ફૂટવેરમાં ફૂટવેરની ખરીદી માટે પહોંચ્યા હતા. જેઓ ખરીદી કરી બહાર નીકળતા હતા તે સમયે અચાનક બે કિશોરો આવી તેમના કોહ્યાભાઈ સેનવા કાંઈ પણ સમજે તે પહેલાં હાથમાંની રોકડ રકમ વાળી થેલી માંથી 2000ની ચલણી નોટના બે બંડલ લઈ ભાગી છૂટ્યા હતા. કોહ્યાભાઈ એ બૂમો પાડી પણ કઈ હાથ ન લાગ્યું નગરના ખુલ્લા રોડ ઉપર આ ચોર તત્વો પવનવેગે મુઠ્ઠીવાળી ને ભાગતા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે. ઠાસરા પોલીસ દ્વારા ફરિયાદી ની કાયદેસર ફરિયાદ નોંધી તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા

Related posts

Leave a Comment