હિન્દ ન્યૂઝ, અરવલ્લી,
કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા બાદ અરવલ્લી જિલ્લામાં ચાલી રહ્યું છે. અરવલ્લી જિલ્લા મા કોવિડ વિજય રથ ને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારો જેવા કે મોડાસા, વૉલ્વા, મુંશીવાડા, છીનાવાડ, નાથાવાસ, કૂંભેરા, મેઘરજ, વાસણા, કંભારોડા, ઇપલોડા, જાલાની મુવાડી, નાનાવાસ, માલપુર, મોરડુંગરી, વાવડી, સુરજપૂર, મૈયાપૂર, અણિયોર, વાળીનાથ, ખલિકપુર, ઉભરણા, ગાબટ, રાડોદરા, બાયડ, વાત્રક, બીબીપુરા, અલ્વાગામ, પોયડાં , કંજરી કંપા, ધનસુરા, બુટાલ, વડાગામ સહિત અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો થી પસાર થઈ ગાંધીનગર જિલ્લામાં જનજાગૃતિ ફેલાવશે.
આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરો સહયોગ સાંપડી રહ્યો છે. સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક , જાદુ વગેરે દ્વારા ખૂબજ સહજરીતે અને સમજી શકાય તેવી હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે. રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયે પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવ્યો છે. સાથે માનનીય પ્રધાનમંત્રી દ્વારા કોરોના થી બચાવ માટે શરૂ કરવામાં આવેલું જન આંદોલન ની જાણકારી પણ આપવામાં આવશે.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા