હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,
તા.૧૩, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગીર સોમનાથનાં સંયુક્ત ઉપક્રમે કોડીનાર કેવીકે ખાતે કપાસમાં ગુલાબી ઇયળ અને મકાઈમાં ફોલ આર્મીવોર્મના સંકલિત નિયંત્રણ વિશે ઓન લાઇન વેબીનાર યોજાયો હતો.
આ વેબીનારમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ ડી.બી.ગજેરાએ ખાસ કરીને એગ્રો ઈનપુટ ડીલરોને ન માત્ર ધંધાકીય રીતે પરંતુ ખેડૂતોના કલ્યાણ માટે પણ સાચુ માર્ગદર્શન આપ્યું હતું. નાયબ ખેતી નિયામક વિસ્તરણ ડી.એચ.ગઢીયાએ હાલની ગીરસોમનાથ જિલ્લાની કપાસનું વાવેતર કરતા ખેડૂતોની પરિસ્થિતી તથા અન્ય મુશ્કેલીઓની ચર્ચા કરી હતી.
વૈજ્ઞાનિક અને કેવીકેના વડા જીતેન્દ્ર સિંહે હાલમાં સાંસદમાં મંજૂર થયેલા કૃષિ બીલની ઝાંખી રજૂ કરી હતી. મનીષભાઈ ગુપ્તા, એરિયા મેનેજર, મોન્સેન્ટોએ પણ આ તકે ઉદબોધન કર્યું હતું. પાક સરંક્ષણ વિષય નિષ્ણાંત આર.ટી.રાઠોડે ગુલાબી ઇયળ તેમજ ફોલ આર્મીવોર્મના સંકલિત નિયંત્રણ વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ વેબીનારમાં કોડીનાર, ઉના અને ગીર ગઢડા તાલુકાનાં ૭૦ થી વધુ એગ્રો ઈનપુટ ડીલરો જોડાયા હતા અને પોતાના પ્રશ્નનું નિરાકરણ મેળવ્યું હતું. વેબીનારનું સંચાલન કુ. પુજાબેન નકુમે આભારવિધી મદદનીશ ખેતી નિયામક (ગુ.નિ.) વિનય પરમારે કરી હતી.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ